મોરબીના 10 રસ્તા પહોળા કરવા લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ જાહેર : 9 રસ્તા ખુલ્લા કરવા વાંધા-સૂચનો મંગાવતી મહાનગર પાલિકા,10 મે સુધીની મુદત
રાજ્ય સરકારે મોરબી શહેરના આજુબાજુના 9 ગામોને ભેળવી દઈ મહાનગર પાલિકાનો દરજ્જો આપવામાં આવ્યા બાદ આ નવ ગામને જોડતા દસ મુખ્ય રસ્તાઓ મહાનગર પાલિકાની હદમાં આવતા હોવાથી માર્ગ વિભાગ (સ્ટેટ) દ્વારા કુલ 58 કિલોમીટરની લંબાઈ ધરાવતા રસ્તાઓ મહાનગર પાલિકાને સોંપતા મહાનગર પાલિકાએ આવા રસ્તા નિયમ મુજબ ખુલ્લા કરવા લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ જાહેર કરી લોકોના વાંધા સૂચનો મંગાવ્યા છે. જે અંતર્ગત અસરગ્રસ્ત લોકો 10 મે સુધી વાંધા સૂચનો રજૂ કરી શકશે.
મોરબી મહાનગર પાલિકા દ્વારા લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ જાહેર કરી મહાનગર પાલિકાની હદમાં અલગ અલગ નવ ગામના જુદા-જુદા દસ રસ્તાઓ પહોળા કરવા તેમજ ખુલ્લા કરવા જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી રસ્તાઓ પહોળા કરવા માટે લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ જાહેર કરી 10મી મે સુધીમાં સંબંધિત લોકો પાસેથી વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા છે. આ દસેય રસ્તાઓ અંગેની તમામ માહિતી લોકોને મોરબી મહાનગર પાલિકાની ટીપી શાખામાંથી મળી શકશે.
ઉલ્લેખનીય છે કે,મોરબી શહેરમાં અગાઉ નગરપાલિકા સમયે પણ ટ્રાફિક સમસ્યા જોતા રસ્તા પહોળા કરવા લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ જાહેર કરીં ડિમાર્કેશન પણ કરવામાં આવ્યા હતા પરંતુ દાયકાઓ સુધી લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટનો અમલ ન થતા રસ્તાઓ પહોળા થઈ શક્યા ન હતા. જો કે, હવે મહાનગર પાલિકા આવી જતા ટેક્નિકલ ટીમની સાથે આઈએએસ અધિકારીની તાકાત મળતા શહેરમાં હાલમાં વર્ષો જુના દબાણો હટવાની શરૂ થયું છે ત્યારે લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ માટે પણ કાર્યવાહી શરૂ થતા આગામી દિવસોમાં મોરબીને સારા પરિણામો મળવાની આશા છે.
ક્યાં-ક્યાં રસ્તાઓ મહાનગર પાલિકાને સોંપાયા
1. શનાળા-ખાનપર રોડ (સીટી હદ વિસ્તાર સુધી )
2. મોરબી શહેરની અંદરનો માર્ગ
3. મોરબી નવલખી રોડ (સીટી હદ વિસ્તાર સુધી )
4. મોરબી-રવાપર-ઘુનડા રોડ (સીટી હદ વિસ્તાર સુધી )
5. રાજકોટ મોરબી રોડ (સીટી હદ વિસ્તાર સુધી )
6. મોરબી-પંચાસર-મોટી વાવડી રોડ (સીટી હદ વિસ્તાર સુધી )
7. મોરબી બાયપાસ
8. મોરબી -હળવદ રોડ (સીટી હદ વિસ્તાર સુધી )
9. મોરબી -જેતપર રોડ (સીટી હદ વિસ્તાર સુધી )
10. મોરબી -નાની વાવડી-બગથળા રોડ (સીટી હદ વિસ્તાર સુધી )