પોલીસે ખાનગી ટ્રાવેલ્સની બસમાં મંગાવેલી દારૂની 1248 બોટલ સાથે એકની ધરપકડ કરી
મોરબી : મોરબીમાં ખાનગી ટ્રાવેલ્સ બસમાં બેટરીના પાણીની આડમાં વિદેશી દારૂને ઘુસાડવાની રાજકોટના બુટલેગરની મેલી મુરાદ પર પોલીસે પાણી ફેરવી દીધું હતું. પોલીસે રેડ કરીને સ્થળ ઉપરથી દારૂની જુદીજુદી બ્રાન્ડની નાની 1248 બોટલો, રિક્ષા સહિત કુલ મળીને રૂ.4,57,400 ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. જો કે પોલીસની પૂછપરછમાં દારૂનો જથ્થો મંગાવનાર રાજકોટના શખ્સનું નામ સામે આવ્યું છે
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી રહે હકીકત મળી હતી કે, વરણીરાજ ખાનગી ટ્રાવેલ્સની બસમાં બેટરીના પાણીની આડમાં પેકિંગ કરેલા પાર્સલમાં દારૂનો જથ્થો હેરાફેરી કરવામાં આવી રહ્યો છે જેથીપોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે મોરબીના લાતી પ્લોટ શેરી નં-6 ના નાકા પાસે પાર્સલ માટેની લોડીંગ રીક્ષા નં. જીજે 3 બીએક્સ 5810 ઊભી હતી અને ત્યાં હાજર રહેલા શખ્સનું પોલીસ દ્વારા નામ પૂછતા તેનું નામ તોફિકભાઈ મહેબૂબભાઈ બુખારી (ઉ.વ.26) રહે. શક્તિ ચોક મોરબી વાળો હોવાનું સામે આવ્યું હતું અને તેની રિક્ષામાં રહેલા પાર્સલ બોક્સ વિશે પૂછપરછ કરતા તેમાં બેટરીનું પાણી હોવાનું તેને જણાવ્યું હતું અને બિલ રજૂ કરતા બિલમાં રાધે એન્ટરપ્રાઇઝ વાપી જીઆઇડીસી લખ્યું હતું. પણ આ બિલ બનાવટી હોવાનું સામે આવ્યું હતું જેથી રિક્ષામાં રહેલા બોક્સને ચેક કરવામાં આવતા તેમાંથી બેટરીના પાણીની 18 બોટલો મળી આવ્યા હતા અને તે ઉપરાંત દારૂની નાની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 1248 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 4,05,600 ની કિંમતનો દારૂનો જથ્થો તેમજ 1800 રૂપિયાની કિંમતનું બેટરીનું પાણી અને સીએનજી રીક્ષા સહિત કુલ મળીને 4,57,400 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને દારૂના જથ્થા સાથે પકડાયેલા શખ્સની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવતા સાહિલ હનીફભાઈ પરમાર રહે. રાજકોટ વાળાએ દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું .