તાલુકા પોલીસ ટીમે સરતાનપર - પાનેલી રોડ પર દરોડો પાડતા ચોંકાવનારી હકીકત સામે આવી : ચાર વિરુદ્ધ કાર્યવાહી
મોરબી : મોરબી શહેર જિલ્લામાં દેશી વિદેશી દારૂના દુષણ સામે પોલીસ કડક હાથે કામ લઈ રહી છે અને છેલ્લા બે ત્રણ દિવસમાં મહિલા અને પુરુષ દારૂના ધંધાર્થીને પાસા હેઠળ જેલભેગા કરી રહી છે ત્યારે સરતાનપર -પાનેલી રોડ પર બાઈક પર દેશીદારૂની હેરફેર કરતા બે સગીર ઝડપાઇ જતા દેશી બુટલેગરોનો ચોંકાવનારો ખેલ સામે આવ્યો હતો.
મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે સરતાનપર - પાનેલી રોડ પર વોચ ગોઠવી જીજે - 36 - એએસ - 0467 બાઈક પર નીકળેલા વાંકાનેરના વિરપર ગામના કાયદાના સંઘર્ષમાં આવેલ બે સગીરને ઝડપી લઈ ચેક કરતા બન્નેના કબ્જામાંથી 18 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો.
બન્ને બાળ કિશોરની પૂછતાછમાં દારૂનો આ જથ્થો વિરપર ગામે રહેતા આરોપી મેરુભાઈ રમેશભાઈ દેકાવાડીયા પાસેથી લઈ પાનેલી રોડ પર રહેતા આરોપી વિનુભાઈ સલાટને આપવા જઈ રહ્યા હોવાનું કબુલતા પોલીસે રૂ.3600ની કિંમતનો 18 લીટર દારૂ, 20 હજાર રૂપિયાની કિંમતનું બાઈક તેમજ 11 હજારની કિંમતના ત્રણ મોબાઈલ કબ્જે કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.