મોરબીના ઘુટું ગામે ગતરાત્રે ગ્રામજનોએ કેમિકલ ભરેલા ટેન્કરને ઝડપી લઈ પોલીસને જાણ કરતા જીપીસીબી અને પોલીસની પ્રાથમિક તપાસમાં આ ગામની કેનાલમાં કેમિકલ ઠાલવી પ્રદુષિત કરવાનું કાંડ બહાર આવ્યા બાદ ધારાસભ્યએ વીડિયોમાં એ કોન્ટ્રાક્ટરને અડધી રાત્રે બચાવ્યો હોવાનું કહેતા મોકે પે ચોકાની જેમ મોકાની રાહ જોઇને બેઠેલા કોંગી અગ્રણીઓએ બરાબરનો દાવ લઈ લીધો હતો અને ધારાસભ્ય મોરબીના હિતમાં જ કામ કરતા હોવાની ખોટી ફાંફાંસ કરતા હોવાના આક્ષેપ સાથે આ બનાવની તટસ્થ તપાસ કરીને જે પણ જવાબદાર હોય તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજ્યગુરુ, મોરબી તાલુકા પ્રમુખ કે.ડી. પડસુંબિયા, ગુજરાત પ્રદેશ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી અને કે.ડી. બાવરવા, પૂર્વ પ્રદેશ ઓબીસી સેલ ઉપપ્રમુખ એલ.એમ. કંજારિયાએ એક પ્રેસ યાદીમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પર ગંભીર આક્ષેપ કર્યા છે. જેમાં જણાવ્યુ કે ભૂતકાળમાં વ્યાજ વટાવના ધંધાની વાત હોય તો એમાં પણ ધારાસભ્યનું નામ જાહેર થયેલ, તેવી જ રીતે દુકાન ખાલી કરાવવાનું કામ હોય તો તેમાં પણ તેઓ દુકાન ખાલી કરવા માટે બેફામ ગાળો આપતા હોય તેવા કોલ રેકોર્ડિંગની કલીપ પ્રજાને સાંભળવા મળેલ. ત્યાં પાછું ઘુટુ ગામ પાસે કોઈ માણસ ટેન્કર દ્વારા ગામના પાણી અને પર્યાવરણ બગાડવા માટે કેમિકલ્સ ભરેલ ટેન્કર ખાલી કરવા આવેલ ત્યાં ગામના જાગૃત લોકોએ એ ટેન્કરને પકડી પાડેલા પરંતુ જે વિભાગની જવાબદારી છે તે જી.પીસી.બી.અને પોલીસ વિભાગ આ કામગીરી કેમ નથી કરતા? એ પણ વિચાર માંગી લે તેવી વાત છે.
ગ્રામજનોએ પકડેલ ઝેરી કેમિકલનું ટેન્કર અને માણસોને છોડાવવા અને તેના બચાવ માટે મોરબીના ધારાસભ્ય આવે તે કેટલી શરમજનક બાબત છે. તમામ કાળા અને પ્રજા વિરોધી કામગીરીમાં મોરબીના ધારાસભ્યની ક્યાંક ક્યાંક સંડોવણી બહાર આવે છે. તો મોરબીની પ્રજા એ તમને આ માટે મત આપી ચૂંટેલ છે? કે તમો મોરબી માળિયાની પ્રજાના સ્વસ્થ્ય સાથે ખેલ કરો. આવા ઝેરી કેમિકલને કારણે રોગચાળો ફેલાય છે જમીન ખરાબ થાય છે સાથે મૂંગા પશુ જીવજંતુ પણ મરણ પામે છે. સાથે પર્યાવરણને પણ પારાવાર નુકસાન થાય છે. ત્યારે આવા ઝેરી કેમિકલ જ્યાં ત્યાં નાખતા લોકોને સજા આપવાને બદલે સાથ આપવા ધારાસભ્ય કેમ આગળ આવે છે? આ બાબતે તો અધિકારીઓ પાસે કડક કાર્યવાહી કરાવી જોઈએ. જેથી આવા લોકો ફરી વખત જ્યાં ત્યાં ઝેરી કેમિકલ ઠાલવે નહીં અને પર્યાવરણને નુકસાન ન કરે તે જોવું જોઈએ. પણ અહી તો રક્ષક જ ભક્ષક નીકળે ત્યારે પ્રજા ફરિયાદ પણ કોને કરે? પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજાના સાથે ઉભુ રહેવું જોઈએ તેના બદલે મોરબીના ધારાસભ્ય ગેર કાયદેસર ધંધા કરતા લોકો સાથે ઊભા રહે છે. તે તેમના માટે શરમજનક બાબત કહેવાય. ઝેરી કેમિકલ ગમે ત્યાં ઠાલવતાં લોકો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત છે.