Saturday - May 02, 2026

ખેડૂત આંદોલનમાં કોંગ્રેસ અગ્રણીઓએ જોડાયને સરકાર ઉપર તેજાબી પ્રહાર કર્યા

ખેડૂત આંદોલનમાં કોંગ્રેસ અગ્રણીઓએ જોડાયને સરકાર ઉપર તેજાબી પ્રહાર કર્યા

માળીયાના ખાખરેચી ગામે ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં પાવર ગ્રીડ કંપની ખેડૂતોને ઉપરવટ જઈને ખેતરોમાં ખાડા ખોદી વીજ લાઈન નાખીને ખેડૂતોને અન્યાય કરી રહ્યાના વિરોધ સાથે  ખેડૂતોએ આ વીજ કંપની સામે લડતના મંડાણ કર્યા હતા. જેમાં કોંગ્રેસના આગેવાનોએ જોડાય ભાજપ સરકાર ખેડૂતો વિરોધી હોવાનું કહી તેજાબી પ્રહાર કર્યા હતા, કોંગ્રેસ અને ખેડુતના આંદોલનને પગલે વીજ કંપનીને વીજ લાઈનનું કામ બંધ રાખવું પડ્યું હતુઁ

માળીયા મિયાણાના ખાખરેચી ગામે છેલ્લા ત્રણ-ચાર દિવસથી પાવર ગ્રીડ વીજ કંપની અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. જેમાં ખેડૂતોના ખેતરમાં નક્કી થયા મુજબનું વળતર ન આપીને આ વીજ કંપની પોલીસને સાથે રાખી બળજબરીથી ખાડા ખોદી મનમાની ચલાવી રહી હોવાથી આ અન્યાય સામે ખાખરેચી ગામના ખેડૂતો પાવર ગ્રીડ વીજ કંપની સામે વિરોધ નોંધાવી રહી છે.ખેડૂતોના જણાવ્યા મુજબ આ વીજ કંપની નક્કી થયેલી વળતરની શરતોનો ભંગ કરી રહી છે અને વિજલાઈન ખેતરમાં નહિ ખેડૂતોમાં હ્ર્દયમાં ખાડા થઈ રહ્યાની વેદના વ્યક્ત કરી હતી. આથી આ વીજ કંપની સામે ખાખરેચી ગામે ખેડૂતોએ આંદોલન કર્યું હતું. જેમાં  કોંગ્રેસના અગ્રણી પાલભાઈ આંબલિયા, લલિતભાઈ કગથરા, કિશોરભાઈ ચીખલીયા, મનોજભાઈ પનારા, પુષ્પરાજસિંહ જાડેજા, વિજયભાઈ કોટડીયા, નયનભાઈ અઘારાં સહિતનાએ જોડાયને ખેડૂતોની સભા કરી હતી.આ કોંગી અગ્રણીઓએ ખેડૂતોના હક્કો ઉપર સરકાર તરાપ મારતી હોવાના ચાબખા માર્યા હતા અને ખેડૂતોને પોતાની એક જમીનના ટુકડા પર ખાડો ખોદવા ન દેવાનું કહ્યું હતું.સરકારને કંપની સાથે સાઠગાંઠ હોવાનું કહી ભાજપ સરકારને ખેડૂત વિરોધી ગણાવી હતી.

જય જવાન જય કિસાનના નારા સાથે કામ અટકાવવા રેલી સાથે પહોંચ્યા

ખાખરેચી ગામે આજે કોંગ્રેસ સભા કર્યા બાદ વીજકંપનીનું કામ અટકાવવા માટે કોંગ્રેસના આગેવાનો અને મહિલાઓ સહિતના મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા. પણ કોંગ્રેસ અને ખેડૂતોના આંદોલનને કારણે પાવર ગ્રીડ કંપનીએ ખેતરોમાં વીજ લાઈન નાખવાનું કામ આજે બંધ રાખ્યું હતું. સંભવિત ઘર્ષણને કારણે આ કામ કંપનીએ બંધ રાખ્યું હતું.જો કે હવે આગળ કામ ચાલુ થશે કે કેમ તે અંગે કંપની દ્વારા સ્પષ્ટતા કરાઈ નથી. પણ ખેડૂતોનું અન્યાય ન સહન કરવાનું સ્પષ્ટ વલણ છે.


અન્યાય સહન ન કરવા છેક સુધી લડત ચલાવીશું


ખાખરેચી ગામની મોટી સંખ્યામાં બહેનો અને ખેડૂતોએ ઓછું વળતર કોઈ કાળે ચલાવી નહિ લેવાય તેમ કહીને ન્યાય માટે છેક સુધી લડીશું તેવો નીર્ધાર કર્યો હતો. જ્યારે કોંગ્રેસ આગેવાન લલિત કગથરાએ જણાવ્યું હતું કે, જે રીતે વીજ કંપનીવાળા ખેડૂતોના ખેતરમાં એકપણ રૂપિયાનું વળતર આપ્યા વગર વિજલાઈન નાખી રહ્યા છે. તમે કલેક્ટર અને એસપીના હુકમને આગળ ધરીને ખેડૂતોને દબાવી દાદાગીરી થી પોલ નાખી રહ્યા છે. એની સામે આ આંદોલન છે. આ આંદોલનથી સરકારને ચેતવણી આપી રહ્યા છીએ કે ખેડૂતો ઉપરનો અત્યાચાર બંધ કરો, જો ખેડૂતો પર જુલમ બંધ નહિ થાય તો ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.


અમારી મંજૂરી વગર વીજ પોલ ખડકી દીધા


ખેડૂતોમાં પુરુષો અને મહિલાઓ રેલી કાઢીને કામ અટકાવવા પહોંચ્યા હતા. ત્યાર પહેલા કામ બંધ કરી દેવાયું હતું. પણ એક વૃદ્ધાએ હૈયાવરાળ ઠાલવી હતી કે,  અમારી 10 વિઘા જમીનમાં અમારી મંજૂરી વગર અને એકપણ રૂપિયો આપ્યા વગર આ કંપનીએ ધડાધડ વીજ પોલ નાખી દીધા છે. આ જમીનની કિંમત અત્યારે 25 લાખ છે. પણ આ કંપનીએ વિજલાઈન નાખ્યા બાદ હવે આ જમીન કોઈ 3 લાખ રૂપિયા લેખે લેવા રાજી નહિ થાય. સરકાર એવું ઈચ્છે છે કે આ તો ખેતરમાં ખાડા થઈ રહ્યા છે. પણ હકીકતમાં અમારા કાળજામાં ઘા થઈ રહ્યા છે  જો આવી રીતે બળજબરી થતી રહેશે તો અમે બરબાદ થઈ જશું.

ખેડૂત આંદોલનમાં કોંગ્રેસ અગ્રણીઓએ જોડાયને સરકાર ઉપર તેજાબી પ્રહાર કર્યા