મોરબીમાં ABVP દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
મોરબી : મોરબીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા GCAS પોર્ટલમાં આવનારા વર્ષથી ખાનગી વિશ્વવિદ્યાલયોનો સમાવેશ કરવા તથા ચાલુ વર્ષે 'મોક રાઉન્ડ' થકી પ્રવેશ પ્રક્રિયા ત્વરિત પૂર્ણ કરવા બાબતે કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
આવેદનમાં જણાવ્યા મુજબ છેલ્લા ઘણાં વર્ષોથી રાજ્યની સરકારી વિશ્વવિધાલયોમાં પ્રવેશ પ્રક્રિયા કેન્દ્રીકૃત તથા પારદર્શક કરવાની માંગ કરતી આવી છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગત વર્ષથી ગુજરાતની 14 રાજ્ય વિશ્વવિધાલયોનો પ્રવેશ પ્રક્રિયા GCAS પોર્ટલ થકી કરવાનો પ્રયાસ કરવા આવી રહ્યો છે. રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા છેવાડાના વિધાર્થીઓ સરળતાથી, સુલભ અને રાહત દરે શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સ્વાભાવિક રૂપે રાજ્ય સરકારની રહે છે, પરંતુ ખુબ દુઃખ સાથે જણાવવું પડે કે, માત્રને માત્ર GCAS પોર્ટલની નિષ્ફળતાના કારણે રાજ્ય સરકાર તથા શિક્ષણ વિભાગ પરનો વિધાર્થીઓનો ભરોસો તૂટયો છે.
GCAS પોર્ટલ દ્વારા ચાલતી અત્યંત ધીમી પ્રવેશ પ્રક્રિયાના કારણે સરકારી મહાવિદ્યાલયો અને વિશ્વવિધાલયોમાં દર વર્ષની સાપેક્ષે પ્રવેશ થયા નથી. પરિણામે, ઇન્ટેક કરતા ખૂબ ઓછી સંખ્યામાં વિધાર્થીઓને જે તે સરકારી સંસ્થાનોમાં પ્રવેશ મળ્યા છે. જયારે બીજી તરફ નિજી મહાવિદ્યાલયો અને વિશ્વવિધાલયો મન ફાવે તે પ્રમાણે, કોઈ પણ પ્રકારના ધારા ધોરણ વગર પોતાના ઇન્ટેક કરતા વધુ પ્રવેશ આપી અને વિધાર્થીઓની ભરતી કરે છે. ગુજરાતના ભવિષ્ય માટે, પ્રવર્તમાન પરિસ્થિતિ ઘણી ગંભીર અને ચિંતાજનક છે.