Saturday - May 16, 2026

મોરબીમાં વેપારીએ 21 લાખના 26 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોએ ત્રાસ આપ્યાની ફરિયાદ

મોરબીમાં વેપારીએ 21 લાખના 26 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોએ ત્રાસ આપ્યાની ફરિયાદ

તમામ નાણાં વ્યાજ સાથે પરત ચૂકવી દીધા છતાં બે વ્યાજખોરોએ બમણાંથી લઇ ચાર ગણા નાણાં માંગી પરિવારને જાનથી મારી નાખવા ધમકી આપી

મોરબી : મોરબીના શનાળા રોડ પર સ્કાયમોલ નજીક કરિયાણાની દુકાન ધરાવતા વેપારીએ ધંધામાં જરૂરત પડતા વ્યાજે નાણાં લઈ તમામ નાણાં વ્યાજ સહિત પરત ચૂકવી દીધા હોવા છતાં બે વ્યાજખોરોએ બમણાંથી લઇ ચાર ગણા નાણાં પરત માંગી પરિવારને જાનથી મારી નાખવા ધમકી આપી પઠાણી ઉઘરાણી શરૂ કરતા વ્યાજખોરોથી કંટાળી ગયેલા વેપારીએ બન્ને વ્યાજખોરો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

મોરબીના કેનાલ રોડ પર રોલા રાતડીયાની વાડી વિસ્તારમાં રહેતા અને સ્કાયમોલ પાસે શ્રી રામ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવતા કિશોરભાઈ જીણાભાઈ પરમાર ઉ.વ.35 નામના વેપારીએ આરોપી પ્રકાશ રામજીભાઈ પઢારીયા રહે.નાના રામપર તા.ટંકારા અને આરોપી ભરત રબારી રહે.થોરાળા તા.મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી પ્રકાશ પઢારિયા પાસેથી ધંધામાં જરૂરત પડતા એક લાખ હાથ ઉછીના લીધા હતા અને બાદમાં 21 લાખ વ્યાજે લઈ કુલ 26 લાખ ચૂકવી દેવા છતાં આરોપી પ્રકાશે 78 લાખ આપવા પડશે કહી પઠાણી ઉઘરાણી ચાલુ કરી હતી.

આરોપી ભરત રબારી પાસેથી ફરિયાદી કિશોરભાઈએ પાંચ લાખ વ્યાજે લઈ 7 લાખ રૂપિયા ચૂકવી દેવા છતાં વધુ 10 લાખ રૂપિયા આપવા પડશે કહી વ્યાજખોરોએ જો પૈસા નહિ આપે તો આખા પરિવારને જાનથી મારી નાખવા ધમકી આપી પઠાણી ઉઘરાણી શરૂ કરતા અંતે વેપારી કિશોરભાઈએ બન્ને આરોપીઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નાણાં ધીરધાર અધિનિયમ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.