Monday - Feb 17, 2025

મહિલા તબીબના આપઘાત કેસમાં ડોકટર પતિનો ત્રાસ કારણભૂત હોવાની ફરિયાદ

મહિલા તબીબના આપઘાત કેસમાં ડોકટર પતિનો ત્રાસ કારણભૂત હોવાની ફરિયાદ

મોરબી : મૂળ હળવદ તાલુકાના સુરવદર ગામના મહિલા તબીબના આપઘાત કેસમાં તેના ડોકટર પતિનો ત્રાસ કારણભૂત હોવાની ફરિયાદ સામે આવી છે. આ મહિલા ડોકટરના મોરબી રહેતા ડોકટર સાથે લગ્ન થયા બાદ ડોકટર પતિ ઘર ચલાવવા પૈસા ન આપી શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપતા હોય મહિલા તબીબે એક મહિના પહેલા આપઘાત કરી લેતા આ બનાવમા મૃતક તબીબના ભાઈએ ડોકટર પતિ વિરુદ્ધ પોતાની બહેનને મરવા મજબુર કરવા અંગે ફરિયાદ નોંધાવી છે.

હળવદ તાલુકાના સુરવદર ગામના વતની અને હાલમાં હળવદના સરા રોડ ઉપર વસંતપાર્કમાં રહેતા સચિનભાઈ રમેશભાઈ દેસાઈએ આરોપી એવા તેમના બનેવી ડો.તેજસ નાગરભાઈ ભુવા રહે.સોમનાથ સોસાયટી, મહેન્દ્રનગર, મૂળ રહે.હરિપર, ધ્રાંગધ્રા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.9 ઓગસ્ટના રોજ ફરિયાદીના બહેન મિતાલીબેને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ પાછળ આરોપી ડો.તેજસ ભુવા જવાબદાર હોવાનું જણાવી આરોપી ઘરમાં પૈસા ન આપતા હોવાની સાથે ઘરેણાં પણ પહેરવા ન આપી ત્રાસ દુઃખ આપતા હોય મિતાલીબેને આપઘાત કરી લીધો હતો. ઉપરાંત જ્યારે મિતાલીબેન માવતર આવતા ત્યારે પોતાના ડોકટર પતિના ત્રાસ જુલમ અંગે વાતો કરતા હોય સચિનભાઇએ પોતાના બહેનને મરવા મજબુર કરનાર તબીબ પતિ તેજસ ભુવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સીટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.