મોરબી જિલ્લાના નિવૃત્ત આર્મીમેન અને શહીદ જવાનોના પરિવારના કલ્યાણ માટે યોજાયું સંમેલન
મોરબી : મોરબી જિલ્લા કલેકટર અધ્યક્ષ સ્થાને આજે મોરબી નજીક આવેલા ભરતનગર ખાતે મોરબી જિલ્લાના પૂર્વ સૈનિકો, શહીદ સૈનિકોના પત્નીઓનું સૈનિક સંમેલન યોજાયું હતું. જેમાં રીટાયર્ડ આર્મીમેન અને શહીદ જવાનના દરેક પ્રશ્નનું નિરાકરણ કરવાની કલેકટરે હૈયાધારણા આપી છે.
મોરબી જિલ્લા કલેકટર કે.બી ઝવેરીએ જણાવ્યું હતું કે, દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા પૂર્વ સૈનિકો માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં સૈનિકોને વહીવટી તંત્રમાં કોઈપણ જરૂરિયાત હોય જેમ કે, જમીનનો પ્રશ્ન હોય, પેન્શનનો પ્રશ્ન હોય, રી એમ્પ્લોયમેન્ટ માટેનો પ્રશ્ન હોય, સિક્યુરિટી માટે હથિયારની જરૂરિયાત હોય તે તમામ પ્રશ્નો સાંભળીને તેનું નિરાકરણ કરવામાં આવે છે. પૂર્વ સૈનિકોના કલ્યાણ માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવતું હોય છે.
આ અંગે મોરબી-રાજકોટ જિલ્લા સૈનિક વેલ્ફેર ઓફિસર કમાન્ડર પવન કુમારે જણાવ્યું હતું કે, આ સંમેલનમાં પૂર્વ સૈનિકો અથવા શહીદ સૈનિકો અથવા હાલમાં છે સેનામાં ફરજ બજાવી રહ્યા છે તેવા સૈનિકોના પત્નીઓ અને પરિવારજનોની કોઈપણ સમસ્યા હોય તેને કલેકટર દ્વારા સાંભળીને તુરંત નિરાકરણ કરવામાં આવે છે. સૈનિક પરિવારના મોટાભાગના પ્રશ્નો તાત્કાલિક જ નિરાકરણ થઈ જતું હોય છે. ભરતવન ફાર્મ ખાતે આયોજિત આ સંમેલનમાં મોરબીના કલેક્ટર કે.બી. ઝવેરી, પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલ, કમાન્ડર પવનકુમાર (જિલ્લા સૈનિક વેલ્ફેર ઓફિસર, મોરબી-રાજકોટ) સહિતના અધિકારીઓ, માજી સૈનિકો, તેમના પરિવારજનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.