સીટી બસો બંધ હોવાથી આસપાસના વિસ્તારના બોર્ડના પરિક્ષાર્થીઓને પરીક્ષા સ્થળે પહોંચવામા ભારે હેરાનગતિ
મોરબી : મોરબી મહાનગરપાલિકાની સીટી બસ સેવા નગરપાલિકા કરતા પણ ખાડે ગઈ હોવાનું સામે આવ્યું છે. અગાઉ નગરપાલિકાના શાસનકાળ દરમિયાન શહેરની ચારેય દિશાએ ગ્રામ્ય વિસ્તારોની સીમાઓ સુધી ચારથી વધુ સીટી બસો દોડતી હતી. સસ્તું ભાડું અને સિધપુરની જાત્રા જેવી આ સીટી બસો ખાનગી રીક્ષા કે અન્ય વાહનોના બેફામ ભાડાઓ સામે શહરીજનો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે સારી સુવિધા હતી. જો કે નગરપાલિકામાંથી એક વર્ષ પહેલાં મહાનગરપાલિકાનું રૂપાંતર થતા ખરેખર સીટી બસ સેવા સર્વવ્યાપી અને આનુસંગિક બનવી જોઈએ. એના બદલે ત્રણ જ સીટી બસો હોય એ પણ ખરાબ થઈ જવાથી મેઇન્ટનેશન માટે મોકલી દેવાય છે. આ સીટી બસો બંધ હોવાથી હાલ સૌથી વધુ બોર્ડના વિદ્યાર્થીઓને પાર વગરની હાલાકી પડી રહી છે. વાલીઓ અને વિદ્યાર્થીઓની ફરિયાદ મુજબ ઘણા ખરા વિદ્યાર્થીઓ છેવડાના વિસ્તારોના હોય એટલે સામેકાંઠે મહેન્દ્રનગર, રફાળેશ્વર, ભડિયાદ તેમજ શહેરમાં બાયપાસથી લઈ શનાળા ગામ અને વિરપરથી લજાઈ, રવાપરમાં મોરબી પરીક્ષા દેવા આવતા હોય પણ સીટી બસની સુવિધા ન હોવાથી આ વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલી પડે છે. ઘણીવાર રિક્ષાના મોંઘા ભાડા ખર્ચીને પણ વિદ્યાર્થીઓ મોરબીમાં બોર્ડની પરીક્ષામાં સમયસર પહોંચી શકતા ન હોવાની પણ ફરિયાદ સામે આવે છે. કેટલીક વખત ઘરેથી વહેલા નીકળ્યા હોય તો પણ ટાઈમસર કોઈ વાહન મળતું નથી. ખાનગી વાહનોમાં અવરજવર સમય અને નાણાં બન્ને વેડફાઇ રહ્યા છે. આથી હજુ પણ મનપાના કમિશનર તેમજ કલેકટર યોગ્ય સંકલન સાધી નિયત સ્થળે સીટી બસો ચાલુ કરાવે તેવી વિદ્યાર્થીઓ અને વાલીઓએ માંગ ઉઠાવી છે.
"ભેંસ ભાગોળે અને છાસ છગોળે "
સૂત્રો તરફથી જાણવા મળ્યા મુજબ કુલ ત્રણમાંથી બે બસો લાંબા ટાઈમથી બંધ હતી. એક બસ ચાલુ હતી. એ પણ ક્ષતિગ્રસ્ત થઈ જતા ત્રણેય બસો હાલ મેઇન્ટેશનમાં મોકલી દેવાઈ છે. બીજું એ કે, મહાપાલિકા આવતા જ લજાઈ, શનાળા, રવાપર સહિતના રૂટ જ બંધ કરી દેવાયા હતા. આવા સંજોગો આગામી સમયમાં એજન્સીની 30 જેટલી બસો આવશે એવો કરવામાં આવી રહ્યો દાવો છે. પણ હિક્ક્તમાં આ દાવો ભેંસ ભાગોળે અને છાસ છગોળે જેવો છે. કારણ કે હજુ તો ઓનલાઈન ટેન્ડર મૂક્યું છે. પછી એજન્સીઓ આવે, ટેન્ડર ભરે, ટેન્ડર ખુલે, યોગ્ય ભાવ મુજબ સિલેક્ટ થાય પછી વર્ક ઓર્ડર મળે પછી બસો આવે, આટલી બધી પ્રોસેસમાં કેટલો બધો સમય નીકળી જાય એ નક્કી જ નથી. એટલે એજન્સી આવે પછી કેટલી બસો આવે અને ક્યારે ચાલુ થાય એ નક્કી ન હોય હાલ સીટી બસ દિવાસ્વપ્ન જેવી લાગે છે.