મોરબી : મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે છેલ્લા નવ વર્ષથી 25 ડિસેમ્બરે ક્રિસમસની પાશ્ચાત્ય સંસ્કૃતિને બદલે ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આગામી તા. 25 ડિસેમ્બરના રોજ 10 મો સાર્થક તુલસી દિવસ ઉજવવામાં આવશે. તેની સાથે જુદાજુદા કાર્યક્રમ પણ યોજાશે.
મોરબીમાં કેસર બાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે ખાતે તા. 25 ડિસેમ્બરે સવારે 8 થી 1 વાગ્યા સુધી તુલસી દિવસની ઉજવણી કરાશે. ત્યારે તુલસી પૂજન, તુલસી પ્રદર્શની અને તુલસી રોપા તેમજ માંજર વિતરણ, મહા યજ્ઞ, સમાજ શ્રેષ્ઠીઓ, સંસ્થાઓનું સન્માન, વિવિધ ઓર્ગેનિક અને આયુર્વેદિક વસ્તુઓનું રાહતદરે વેચાણ, શાળામાં ચાલતા કંઠસ્થીકરણ પ્રકલ્પની 5 કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા તેમજ શિક્ષણ અને સમાજ જાગૃતિ માટેની 3 કૃતિઓ આચાર્ય (શિક્ષકો) દ્વારા રજૂ કરવામાં આવશે. સાર્થક તુલસી દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી તે શાળાના વિચારને સમાજમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને ઘણી શાળામાં હવે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.