Friday - May 01, 2026

માળીયાના મોટા દહીંસરામાં વીજપોલ નાખી અન્યને વળતર ચૂકવવા મામલે જેટકોના ઈજનેર સામે ગુન્હો દાખલ

માળીયાના મોટા દહીંસરામાં વીજપોલ નાખી અન્યને વળતર ચૂકવવા મામલે જેટકોના ઈજનેર સામે ગુન્હો દાખલ

ખેડૂતના ખેતરમાં ગેરકાયદે પોલ ઉભો કરી અન્ય ખેડૂતને વળતર ચૂકવ્યુ, આરટીઆઇના પુરાવા સાથે પાંચ વર્ષ બાદ ફરિયાદ

મોરબી : હાલમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ખાનગી સોલાર અને પવનચક્કી કંપનીઓના લાભાર્થે ખેડૂતોના ખેતરમાં મસમોટા વીજ પોલ ઉભા કરવા અને હેવી વીજલાઈન પસાર કરવા મામલે ગામે ગામ વિવાદ ચાલી રહ્યા છે તેવા સમયે જ માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે ખેડૂતના ખેતરમાં ગેરકાયદેસર થાંભલો ઉભો કરી અન્ય ખેડૂતને રૂ.2.66 લાખ વળતર ચૂકવી દેવામાં આવ્યું હોવાના પુરાવા સાથે ખેડૂતે જેટકોના ઈજનેર સહિતના શખ્સો વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.

માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામની સીમમાં રેવન્યુ સર્વે નંબર 576 પૈકી 1 પૈકી 2ની જમીન ધરાવતા જયસુખભાઈ રામજીભાઈ અવાડિયા રહે.સાધુ વાસવાણી રોડ, મધુવન પાર્ક, રાજકોટ વાળાએ આરોપી એવા જેટકો કંપનીના નાયબ ઈજનેર જે.એમ.વિરમગામા, અન્ય જવાબદાર અધિકારી તેમજ પંચનામામાં સહી કરનાર આરોપીઓ તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં આઇપીસી કલમ 406, 420, 427 અને 114 મુજબ ફોજદારી ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી જયસુખભાઈ અવાડિયાએ ફરિયાદમાં જાહેર કર્યું હતું કે, વર્ષ 2018મા આરોપીઓએ એક બીજાની મદદગારી કરી તેમની સહમતી વગર ખેતરમાં અપપ્રવેશ કરી વાડીના પ્રવેશ દ્વાર તેમજ ઉભા પાકમાં નુકશાન કરી 131 કેવી વીજ લાઈનનો થાંભલો ઉભો કરી નાખી કોઈપણ પ્રકારનું વળતર ચૂકવ્યુ ન હતું. વધુમાં તેઓએ આરટીઆઇ કરી વિગતો માંગતા સામે આવ્યું હતું કે, આરોપીઓએ ખોટા પંચરોજકામ કરી તેમની જમીનમાં વીજ થાંભલો ઉભો કરી નાખી કાયદેસર ચૂકવવાનું વળતર રેવન્યુ સર્વે નંબર 576 પૈકી 1 પૈકી 1ના માલિકને રૂ.2,66,915 ચૂકવી કૌભાંડ કરી નાખ્યું હતું. હાલમાં આ ઘટના અંગે માળીયા મિયાણા પોલીસે જેટકોના નાયબ ઈજનેર સહિત તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ આઇપીસી કલમ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.