મોરબીના શનાળા રોડ પર આવેલી અંકુર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી ઉભરાતા હોય ગંદા પાણીને લીધે રોગચાળો વકરવાની ભીતિ હોવા છતાં તંત્રની નિભરતા દૂર ન થતા અંતે સ્થાનિકો અકળાયા હતા અને આ ગટર ઉભરાવાના પ્રશ્ને તંત્રને ઢંઢોવળમાં માટે સ્થાનિક લોકોએ મુખ્ય માર્ગ શનાળા રોડ ઉપર ચક્કાજામ સર્જીને ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો અને સ્થાનિક લોકોએ જ્યાં સુધી તેમની સોસાયટીમાં ગટર પ્રશ્નનું નિરાકરણ નહિ આવે ત્યાં સુધી ત્યાંથી ન હટવાનો નિર્ણય જાહેર કરતા શનાળા રોડ ઉપર ચક્કાજામ થવાથી ભારે ટ્રાફિકજામ થતા વાહનોની મસમોટી કતારો લાગી હતી.
મોરબીની અંકુર સોસાયટીમાં લાંબા સમયથી ગટરના પાણી ઉભરાતા હોય ગટરના દૂષિત પાણીથી વગર વરસાદે બારેમાસ વરસાદ જેવી સ્થિતિ હોય લોકોને ગંદા પાણીમાં તો ચાલવું જ પડતું હોય પણ હવે ગટરના ગંદા પાણીથી ભયકર રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત હોવા છતાં તંત્ર ધ્યાન ન આપતા સ્થાનિક લોકોએ રોષે ભરાયને શનાળા રોડને બ્લોક કરી દેતા હજારો વાહનોની અવરજવર ધરાવતા મુખ્ય રોડ શનાળા રોડ ઉપર વાહન વ્યવહાર ખોરવાતા ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. આ અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, તેમની સોસાયટીમાં ગટરનો લાંબા સમયથી પ્રશ્ન હોય આ ગટર સમસ્યા ઉકેલવા માટે વારંવાર રજુઆત કરીને તંત્રનું ધ્યાન દોર્યું છે. પણ તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી નહિ જાગતા તંત્રને ભર ઉંઘમાંથી જગાડવા માટે આ રસ્તો અખત્યાર કરવો પડ્યો છે. સ્થાનિકોએ એમ પણ કહ્યું હતું કે, જ્યાં સુધી ગટરની સમસ્યા હલ નહિ થાય ત્યાં સુધી આ રસ્તો ખુલ્લો કરીશું નહીં. તેથી વાહન ચાલકો સાથે સ્થાનિકોની જીભાજોડી થઈ હતી.વાહન ચાલકોએ સામે કહ્યું હતું કે, તમારો નગરપાલિકામાં પ્રશ્ન હોય તો ત્યાં જઈને લડત ચલાવો, અહીંયા રસ્તો બ્લોક કરીને વાહન વ્યવહાર અટકાવવો જોઈએ નહીં. પણ સ્થાનિકો આ રીતે તંત્ર સમજતી હોય તેથી રસ્તો ખુલ્લો નહિ થાય તેવું કહેતા ભારે ટ્રાફિકજામ થયો હતો અને ખાસ્સો સનય સુધી ટ્રાફિકજામ રહેતા વાહન ચાલકો ભારે હેરાન થયા હતા.