મોરબી : મહાન ક્રાંતિકારી અને આઝાદ હિંદ ફોજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે પુણ્યતિથિ છે. આ પ્રસંગે મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા આ દિવસને 'ગુમનામી દિવસ' તરીકે મનાવવામાં આવ્યો હતો.
"તુમ મુજે ખૂન દો, મેં તુમે આઝાદી દુંગા" જેવા ક્રાંતિકારી સૂત્ર આપનાર નેતાજી સુભાષચંદ્ર બોઝે દેશની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. સત્તાવાર રીતે તેમનું અવસાન વર્ષ 1945માં એક વિમાન દુર્ઘટનામાં થયું હોવાનું મનાય છે, પરંતુ તેમના મૃત્યુનું સાચું કારણ હજુ પણ એક રહસ્ય છે. નેતાજી ત્યાર પછી ગુમ થઈ ગયા હોવાનું પણ કહેવાય છે, જેના કારણે ક્રાંતિકારી સેના આ દિવસને 'ગુમનામી દિવસ' તરીકે ઉજવે છે. ગુમનામી દિવસ નિમિત્તે, ક્રાંતિકારી સેનાના સભ્યો દ્વારા મોરબીના શનાળા રોડ પર સરદાર બાગ સામે આવેલી નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાની સાફસફાઈ કરીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.