જન્મદિવસના અવસરને સમાજ કલ્યાણનો અવસર બનાવી ‘આપવાનો આનંદ’ કાર્યક્રમ હેઠળ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરાઈ
મોરબી : યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જન્મદિવસની પરંપરાગત ઉજવણીને બદલે સમાજ ઉપયોગી કાર્યક્રમો યોજવામાં આવે છે. આ પરંપરાને જાળવી રાખતા, મયંકના જન્મદિવસ નિમિત્તે ‘આપવાનો આનંદ’ કાર્યક્રમ હેઠળ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.
આપવાના આનંદ કાર્યક્રમ હેઠળ મોરબી શહેરના ઝૂંપડપટ્ટી અને પછાત વિસ્તારના બાળકો માટે વિશેષ ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને ભાવતા પીઝા અને દાબેલી જેવા ભોજન પીરસીને તેમને આનંદિત કરવામાં આવ્યા હતા. આ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં સામાજિક સમરસતાની ભાવના કેળવવાનો હતો.
આ ઉપરાંત, જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગાય માતાની સેવા કરીને તેમના આશીર્વાદ પણ મેળવવામાં આવ્યા હતા. આ પ્રકારની ઉજવણીથી માત્ર આનંદ જ નહીં, પરંતુ ઈશ્વર સ્વરૂપ બાળકોના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. ત્યારે ગ્રુપે અન્ય લોકોને પણ પોતાના પ્રિયજનોના જન્મદિવસને આ અનોખી રીતે ઉજવીને ‘આપવાનો આનંદ’ મેળવવા જણાવ્યું હતું.