મોરબી : રાષ્ટ્રીય એકતા દિવસના અવસર નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે એક વિશેષ ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દેશની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને કાર્યોમાંથી પ્રેરણા લેવાનો હતો.
મોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે આ ક્વિઝ કોમ્પિટિશન ખાસ કરીને એકતા દિવસના અનુસંધાને રાખવામાં આવી હતી. સ્પર્ધકોને સરદાર પટેલના જીવન (લાઇફ) સાથે સંબંધિત ઘણા મહત્ત્વના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં કુલ ચાર ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ક્વિઝ કોમ્પિટિશનના અંતે એક ટીમનો વિજય થયો હતો.
વિજેતા ટીમને મોરબી મહાપાલિકા દ્વારા રૂપિયા 2,500નું રોકડ ઇનામ (કેશ પ્રાઇઝ) આપીને સન્માનિત કરવામાં આવી હતી. ક્વિઝ કોમ્પિટિશનની સાથે સાથે, મોરબી મહાપાલિકા દ્વારા દેશની એકતા માટે પ્રતિબદ્ધ રહેલી ફાયર ટીમને પણ સન્માનિત કરવામાં આવી હતી. ફાયર ટીમને તેમના દ્વારા દિવાળીના સમયગાળા દરમિયાન કરવામાં આવેલી કામગીરી અને વિવિધ રેસ્ક્યુ એફર્ટ્સ માટે બિરદાવવામાં આવી હતી.