મોરબી : મોરબીમાં સમાકાંઠે કલેક્ટર કચેરીની પાછળ આવેલા ગ્રાઉન્ડમાં સમસ્ત કોળી સમાજ સુધારક સેવા મંડળ દ્વારા આજે પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો. આ પાંચમાં સમૂહ લગ્નમાં પાંચ નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.
કોળી સમાજના સમૂહલગ્નમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ટંકારાના ધારાસભ્ય દૂર્લભજીભાઈ દેથરીયા, આ ઉપરાંત જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન મેરામભાઈ વિઠલાપરા સહિતના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સેવા સમાજ સુધારકના પ્રમુખ પરસોત્તમ સાબરીયાએ જણાવ્યું હતું કે, લોકોએ ખોટા ખર્ચાઓ ટાળી, લગ્નમાંથી બચત કરી શિક્ષણ પાછળ વપરાય તે માટે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે અને સાથે જ વ્યસન મુક્ત સમાજ થાય તેના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
આ ઉપરાંત કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, લોકોએ આવા સમૂહ લગ્નમાં જોડાવવું જોઈએ. તેમજ દાતાઓએ જે સહયોગ આપ્યો છે તેના બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ વધુને વધુ લોકો આ પ્રકારના લગ્નમાં જોડાય તેમજ લગ્નમાંથી બચેલા રૂપિયા શિક્ષણ પાછળ વપરાય તેમજ સુધારણા પાછળ વાપરવા જણાવ્યું હતું.