મોરબીના નાગલપર ગામે સિંચાઈની મોટી ખામી છે. ખેતી માટે એક ટીપુંય પાણી આપતું ન હોવાથી ગામની તમામ ખેતી હરિભરીને બદલે સૂકી રહે છે. એથી ગામની વરસાદ આધારિત જ ખેતી છે. જો ચોમાસુ સારું જાય તો ખેડૂતો મજોમજો નહિતર માથે ઓઢીને રોવાનો વખત આવે છે. વરસાદ સારો થાય તો પણ એક જ પાક લઈ શકાય છે. એટલે ખેડૂતોને ખેતી પર નભવું મુશ્કેલ પડે છે.
મોરબીના નાગલપર ગામના સરપંચ મકવાણા નવઘણભાઈ રઘુભાઈના કહેવા મુજબ તેમના ગામની વસ્તી 500ની હોય આ વસ્તી સિંચાઈની સુવિધા ન હોવા છતાં ખેતી ઉપર નભે છે. ઉપરાંત મજૂરી અને પશુપાલનના વ્યવસાય સાથે પણ જોડાયેલા હોય ગામલોકોનો ગુજારો થઈ જાય છે. જો કે ગામમાં આરોગ્ય કેન્દ્ર નથી. પણ અહીંથી અડધો કિમી દૂર આવેલા અમરાપર ગામમાં આરોગ્યની સારી સુવિધા મળી રહેતી હોય ગ્રામજનોને આરોગ્ય સેવામાં કોઈ તકલીફ પડતી ન હોવાનું જણાવ્યું છે. પ્રાથમિક શાળા, પીવાના પાણી, ગામના રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, લાઈટ અને કચરાના નિકાલ વ્યવસ્થા હોવાથી સફાઈ યોગ્ય રીતે થાય છે. જ્યારે નાગલપરથી બગથળા, ગાંધીનગરને જોડતો રસ્તો કાચો હોય પાકો બનાવવા તેમજ ગામમાં સારું સ્મશાન બનાવવા, તળાવ ઊંડું ઉતારવાની અને ગામમાં પ્લોટિંગ પાડવાની રજુઆત કરી હોય પણ હજુ સુધી આ દિશામાં કોઈ પગલાં લેવાયા નથી.