Thursday - Apr 16, 2026

ક્રાઈમ માટે નહીં પણ 100 ટકા શિક્ષણને કારણે વર્ષોથી ભેજાવાળા ગામ તરીકે ઓળખાતું બગથળા ગામ

ક્રાઈમ માટે નહીં પણ 100 ટકા શિક્ષણને કારણે વર્ષોથી ભેજાવાળા ગામ તરીકે ઓળખાતું બગથળા ગામ

મોરબીનું એક એવું ગામ કે વર્ષોથી ભેજાબાજ તરીકે ઓળખાય છે. જો કે ભારતમાં બંધારણમાં દર્શાવેલી 420 ની કલમ હેઠળ જે ઠગાઈનો ગુનો નોંધાય એના આરોપી માટે ભેજાબાજ શબ્દ વપરાય છે. એટલે સ્પષ્ટતા કરી દઈએ કે, આ ગામને ભેજાબાજ તરીકે ઓળખવા પાછળ કોઈ ગેરસમજ ન કરતા અને આ ગામ એટલે મોરબીનું બગથળા ગામને ભેજાવાળું ગામ તરીકે ઓળખવા પાછળ  ઉતરોતર વધી રહેલું શિક્ષણ કારણભૂત છે. વર્ષોથી આ ગામ માત્ર મોરબી જિલ્લા જ નહીં બલ્કે સૌરાષ્ટ્રભર શિક્ષણ માટે મોખરે રહે છે. આ 100 ટકા શિક્ષણને કારણે આ ગામ ભેજાબાજ તરીકે પ્રચલિત છે. રાજાશાહી વખતના આ ગામમાં મોરબી શહેર કરતા પણ બહેતર સુવિધાઓ છે. ગામમાં ક્યાંય પણ સ્વચ્છતાનો અભાવ ન જોવા મળે. બધી જ જ્ઞાતિના લોકો રહેતા હોવા છતાં ક્યારેય પણ નાની અમથી પણ માથાકૂટ થઈ નથી. આ ગામના પૂર્વજોનો શરૂઆતથી શિક્ષણ ક્ષેત્રે આગળ વધી એકદમ શાંતિથી બધા ગામો કરતા પણ સૌથી વધુ વિકસિત બનવાનો ઉદ્દેશ 30 વર્ષ પહેલાં જ સાકાર થઈ ગયેલો છે.

બગથળા ગામના વતની અને ટેલિફોન ખાતાના સબ ડિવિઝન ડે. એન્જિનિયર તરીકે ફરજ બજાવી હાલ નિવૃત થયેલા અધિકારી ઠોરિયા અને નિવૃત શિક્ષક અવચરભાઈ બરાસરાએ જણાવ્યું હતું કે, તેમના ગામમાં આઝાદી પછી 1950માં શિક્ષણનો પાયો નખાયો અને ગામમાં ત્યારથી શરૂ થયેલી સરકારી પ્રાથમિક  શાળામાં એ સમયના બધા જ બાળકો શિક્ષણ લેવા મંડ્યા. જો કે તેમના ગામના એ સમયના વડીલો જૂની રૂઢીવાદી માનસિકતા ધરાવતા જ ન હતા. એ સમયે દીકરાની જેમ દીકરીઓને પણ સમાન ગણી કોઈ ભેદભાવ રાખ્યા વગર દીકરીઓ અને દીકરાઓને અલગ અલગ એટલે કુમાર અને કન્યા શાળામાં ભણાવતા અને ત્યારથી ગામમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવી અને પ્રાથમિક શિક્ષણ બાદ 8થી 12 સુધીની વર્ષ1959માં સરકારી હાઈસ્કૂલ શરૂ થતાં એક તબબકો એવો આવ્યો કે, 70-80ના દાયકામાં મોરબી જ નહીં સૌરાષ્ટ્રભરના બધા જ ગામોને પાછળ રાખી શિક્ષણ ક્ષેત્રે  બગથળાએ મોખરાનું સ્થાન મેળવેલું, 
 

ક્રાઈમ માટે નહીં પણ 100 ટકા શિક્ષણને કારણે વર્ષોથી ભેજાવાળા ગામ તરીકે ઓળખાતું બગથળા ગામ

ગામના એક વ્યક્તિ 40 વર્ષ પહેલાં આઈઆઈએમના એમબીએ થયેલા

બગથળા ગામની 1950માં 3 હજારની વસ્તી અને શિક્ષણ અને ધંધા માટે ગામનું ઉતરોતર શહેરીકરણ થવા છતાં હાલ5 હજારની વસ્તી ધરાવતા ગામના 256 એન્જિનિયર, 146 ડોકટર, સચિવાલયમાં એક કલેકટર, ત્રણ ડીવાયએસપી, એક એસપી,એમ ડી પછી સુપર સ્પેશિયાલિસ્ટ બનનાર પાંચ, 40 વર્ષ પહેલાં આઈઆઈએમના એમબીએ કરનાર ગામના હસખુમ મેરજા હાલ તેઓ કેનેડા જોબ કરતા હોય તેમનો પુત્ર સન્ની નોટરી સહિત 60 ટકા નોકરિયાત વર્ગ અને સીરામીકમાં સંકળાયેલો 30 ટકા વર્ગ છે.

બે દાયકાથી ગામમાં 100 ટકા શિક્ષણ

બગથળા ગામમાં 1959માં શિક્ષણની શરૂઆત થયા બાદ શિક્ષણે તેજ રફતાર પકડતા છેલ્લા ત્રણેક દાયકાથી આ ગામમાં 60થી માંડી અત્યાર સુધીમાં 100 ટકા શિક્ષણ થઈ ગયું છે. આ ગામના 1600 જેટલા લોકો મોરબીમાં અને રાજકોટમાં 550, અમદાવાદમાં 250 જેટલા લોકો વર્ષોથી નોકરી ધંધા અર્થે સ્થાયી થવા છતાં અત્યારે ગામમા 5 હજારની વસ્તી છે. ગામ બે કુમાર અને કન્યા સરકારી શાળા ઉપરાંત એક હાઈસ્કૂલ હોય ત્રણેયમાં 450 બાળકો, એક ખાનગી શાળામાં 250 બાળકો ભણે છે. ગામના આશરે 50-60 જેટલા બાળકો મોરબીમાં પણ ભણવા જાય છે.

રાજાશાહી વખતથી સુખી રહેલી ખેતી હવે હરિભરી બની

ગામના 1 હજાર જેટલા લોકો ખેતી ઉપર નભે છે. આ ખેડૂતોના જણાવ્યા મુજબ રાજાશાહીથી હમણાં થોડા વર્ષો સુધી ગામની અંદાજીત 7513 જેટલી જમીનની ખેતી સૂકી હતી. કારણ કે સિંચાઈની કોઈ વ્યવસ્થા જ ન હતી. એટલે ચોમાસામાં સારો વરસાદ થાય તો ખરીફ પાક લઈ શકાતો હતો અને તે સમયે ખેતી મુખ્ય આજીવિકા હતો. એટલે ગામલોકોને ખેતી ઉપર નભવું પડતું અને એ પછી શિક્ષણનું સ્તર વધતા ગામમાં નોકરિયાત વર્ગ વધી ગયો અને સિરામિક આવતા ગામના યુવાનોને પણ રોજગારી મળતી થઈ અને હવે છેલ્લા થોડા વર્ષોથી મચ્છુ -2 કેનાલનું પાણી આવી જતા ગામની સૂકી રહેલી ખેતી હરિભરી બની છે.

રાજાએ એક દીકરીનું બાવડું પકડતા વાણદ સમાજના લોકોએ શિહીદી વહોરીને પણ દીકરીને બચાવેલી

ગામના વડીલના કહેવા મુજબ આશરે 1718માં બગથળા ગામની સ્થાપના થયેલી હતી. તે સમયે જુના નેશ હતા અને વર્ષમાં 1818 તે વખતે વાંણદ સમાજ મોટી સંખ્યામાં રહેતા એક રાજાએ ગામની દીકરીનું બાવડું પકડીને ઉપાડી જવાની કોશિશ કરતા આ વાંણદ સમાજના લોકોએ એ દીકરીને બચાવવા રાજા અને એના સેન્ય સામે બાથ ભીડી હતી. જો કે એ રાજા અને એનું સેન્ય શક્તિશાળી હોવાથી વાંણદ સમાજના લોકોને શહીદી વહોરવી પડી હતી. આ સમાજના લોકો પોતાના જીવની આહુતિ દઈને પણ એ દીકરીનું રક્ષણ કર્યું હતું. આજે પણ ગામમાં એમના પાળીયા છે. આ લોકોની બહાદુરીને કારણે એમના સમાજના નામ પરથી બગથળા ગામનું નામ પડેલું હતું.

રાજવી લખધીરજીએ બગથળા ગામથી કન્યા કેળવણી શરૂ કરેલી

આઝાદી પહેલાના રાજાશાહી વખતમાં મોરબીના રાજવી લખધીરજી બાપુએ શિક્ષણ ક્ષેત્રે લોકો માટે સ્કૂલ કોલેજની સ્થાપના કરી હતી અને તેઓ કન્યા કેળવણીના હિમાયતી હોય તેમના સમયમાં પણ ચાર ઓરડામાં કેદ સ્ત્રીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે એ માટે પ્રથમ બગથળા ગામથી કન્યા કેળવણી શરૂ કરી હતી અને આ ગામમાં કન્યાઓ માટે અલગ શાળા શરૂ કર્યા બાદ મોરબીમાં પણ કન્યાઓના શિક્ષણ માટે સ્કૂલ કોલેજ શરૂ કરી કન્યા કેળવણી માટે ભગીરથ પ્રયાસો કરેલા હતા.

આદર્શ ગામ તરીકે લેવા બદલ ટીકા થયેલી

બગથળા ગામની તમામ શેરીમાં ભુર્ગભ ગટર, આરસીસી રોડ,1969માં લાઈટો નખાયેલી હોય તેમજ ઘરેઘરે વર્ષોથી શૌચાલય, સફાઈ સહિતની મૂળભૂત તમામ સુવિધાઓ વર્ષોથી છે. ગામના એકપણ નાગરિકના કાચા મકાન નથી. સામાન્ય વર્ગના માણસના પણ પાકા છતવાળા મકાનો અને દરેક ઘરે બાઇક, એલઇડી ટીવી, ફ્રીજ સહિતની સુવિધાઓથી આ ગામ સમૃદ્ધ છે. ત્યારે 2019ની સાલ સાંસદ બનેલા મોહનભાઇ કુંડારિયાએ તે સમયે કેન્દ્ર સરકારની દરેક સાંસદને એક ગામને દત્તક લઈ આદર્શ ગામ કરવાની યોજનામાં તેઓ લહેલેથી વિકસિત રહેલા બગથળા ગામને આદર્શ ગામ તરીકે દત્તક લીધેલું પણ આ ગામ બધી રીતે સુખી સંપન્ન હોય અને મોરબી શહેર કરતાંય પણ સારી સુવિધા હોવાથી આ ગામને આદર્શ ગામ તરીકે લેવા બદલ ટીકાઓ થઈ હતી.

મગનભાઈ પંડ્યાને રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલો

બગથળા ગામની આઝાદી પછી શરૂ થયેલી સરકારી સ્કૂલમાં મગનભાઈ પંડ્યાએ પ્રિન્સિપાલ તરીકે ઉત્કૃષ્ટ જવાબદારી નિભાવી ગામના બાળકોને એ સમયે સારું શિક્ષણ, સંસ્કારોથી જીવનનું ઘડતર કરવા સર્વાગી વિકાસ કરવામાં અનેરું યોગદાન આપ્યું હતું. ગામના શિક્ષણને એ સમયે ઉચ્ચ સ્તરે લાવવા બદલ આચાર્ય મગનભાઈ પંડ્યાને 1964માં રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો હતો. ત્યારપછી એમના પુત્ર ટી.એમ. પંડ્યાએ આ ગામની સરકારી હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે જવાબદારી નિભાવી હતી. આ બન્ને પિતા-પુત્રએ ગામના શિક્ષણ ઉચ્ચસ્તરે લાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.