મોરબીના સામાકાંઠે આવેલ નઝરબાગ ફિલ્ટર હાઉસમાં રહેલા બે ફિલ્ટર પ્લાન્ટ 8 વર્ષથી બંધ હોય પાણી શુદ્ધ જ ન થતું હોવાની જાગૃત નાગરિકની ગંભીર વાતને પાણી પુરવઠાના અધિકારીએ ખોટી ગણાવી ફિલ્ટર પ્લાન્ટ ભલે બંધ હોય પણ ક્લોરીન અને બીજી વસ્તુઓથી શુદ્ધ પાણી વિતરણ કરાતું હોવાનું કહ્યું હતું. આથી સત્ય હકીકતથી જોજનો દૂર હોય અને વારંવાર ફિલ્ટર હાઉસ જતા હોય તેમજ બે ફિલ્ટર પ્લાન્ટ ગંદકી વધુ હોય ફિલ્ટર કર્યા વગર પાણી લોકોને વિતરણ કરાતું હોવાની સચ્ચાઈ જાણતા જાગૃત નાગરિકે બંધ ફિલ્ટર હાઉસમાં લીલી વેલ, લીલો શેવાળ, કરોળિયાની માયાજાળ, મચ્છરોનું સૌથી વધુ સામ્રાજ્ય અને ફિલ્ટરમાં જ્યાં જુઓ ત્યાં કચરાની ગંદકીના પુરાવા સાથે વિડીયો વહેતા કરી શુદ્ધતાની વાતો કરતા પાણી પૂરવઠાના અધિકારીની ઢમ ઢોલ મહે પોલની જેમ પોલ ખોલી હતી.
મહાવીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ ફિલ્ટર હાઉસ આઠ વર્ષથી બંધ છે અને હું ત્યાં નિયમિત ચેક કરવા જાવ છું. ત્યાં એટલી બધી ગંદકી છે કે અહીંથી અમારા જેવા હજારો ઘરોમાં આવતું પાણી ક્યાંથી શુદ્ધ હોય. ગઈકાલે આ અધિકારીએ ભૂકંપ બાદથી ફિલ્ટર પ્લાન્ટ બંધ હોય એનો એકરાર કર્યો પણ અશુદ્ધ નહિ પણ ક્લોરીનેશન સહિતની વસ્તુઓથી શુદ્ધ કરીને પાણી વિતરણ કરાતું હોવાનો દાવો કર્યો હતો. પણ સામે મહાવીરસિંહે કહ્યું હતું કે, ફિલ્ટર હાઉસ એટલો બધો ગંદો ગોબરો હોય શુદ્ધ પાણી વિતરણ ક્યાંથી થાય, એ સાહેબ આવા દાવા કરતા હોય તો મારી સાથે ત્યાં આવે અને ફિલ્ટર હાઉસમાં ક્લોરીન સહિતની વસ્તુઓ તો દૂર રહી પણ નાની એવી ફટાકડી પણ નથી. આથી અધિકારી એસીમાં બેસીને ગપગોળા કરવાને બદલે પહેલા સાચી પરિસ્થિતિ જાણે પછી જ નિવેદન આપે તેવો પડકાર ફેંક્યો હતો.
અહીં એટલી બધી ગંદકી છે કે શુદ્ધતાનો સવાલ જ નથી
સ્થાનિક નાગરિક ગોપાલભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, આ ભાઈ સાથે મેં પણ નઝરબાગ ફિલ્ટર હાઉસની મુલાકાત લીધી તો કોઈ ખંડેર મકાન કે સ્થળ હોય એવું લાગ્યું કારણ કે સ્વચ્છતાનું ક્યાંય નામો નિશાન જ નથી.બેય ફિલ્ટર હાઉસમાં બધે જ ગંદકીની માયાજળ એટલી બધી હોય જ્યાં જુઓ ત્યાં લીલા શેવાળ, લીલી એટલે ગાંડી વેલ છે. આ મચ્છુ ડેમમાંથી અહીં પાણી આવે અને એ પાણી સીધું જ સામકાઠાના હજારો લોકોને પાણી આપીને સ્વાસ્થ્ય સાથે ચેડાં કરાય છે. આ પાણી એકદમ ધીમું ઝેર જ છે. આવું પાણી પીવાથી ધીરેધીરે અસ્તિત્વ જ મટી જાય એમ છે.