Tuesday - May 05, 2026

મોરબીમાં શોરૂમ પાસે ટ્રકને હટાવવા મામલે વેપારીના અપહરણનો પ્રયાસ, ડીવીઆર ઉઠાવી ગયા

મોરબીમાં શોરૂમ પાસે ટ્રકને હટાવવા મામલે વેપારીના અપહરણનો પ્રયાસ, ડીવીઆર ઉઠાવી ગયા

ત્રણ શખ્સોએ બંદૂક જેવું હથિયાર બતાવી આંતક મચાવ્યાની ફરિયાદ

મોરબી : મોરબીના કંડલા બાયપાસ પર દેશી ડાયર હોટલ પાસે આવેલ ઉમા સ્ટીલ ફર્નિચર શોરૂમ પાસે પડેલા ટ્રકને દૂર હટાવવાનું કહેતા આ મામલે ત્રણ ઈસમોએ પરકો ઝઘડો ઉછીનો લઈ ગુંડાગીરી કરી વેપારીને બંદૂક જેવી હથિયાર બતાવી શોરૂમમાં તોડફોડ કરી ડીવીઆરની લૂંટ ચલાવવાની સાથે વેપારીનું અપહરણ કરવા પ્રયાસ કરતા બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના કંડલા બાયપાસ પર ઉમા સ્ટીલ ફર્નિચર નામનો શોરૂમ ધરાવતા વેપારી ઉમેશભાઈ ત્રિભોવનભાઈ મેરજાએ આરોપી રણજીત જેસિંગ ચાવડા રહે.મીરા પાર્ક, દિનેશ ગગુભાઈ મકવાણા રહે. ધર્મસૃષ્ટિ સોસાયટી અને અજાણ્યા ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.12ના રોજ બપોરના સમયે તેમના શોરૂમ સામે એક ટ્રક ચાલકે ટ્રક પાર્ક કરી ચા પીવા જતો હોય શોરૂમના માણસ ચિરાગભાઈએ તેમને ત્યાં આવેલ વાહન કાઢવા માટે ટ્રક દૂર લઈ બાદમાં ચા પીવા જવા કહ્યું હતું.જો કે, આ સમયે ત્યાં હાજર આરોપીઓએ ટ્રક ચાલકને કહ્યું હતું કે, તું ટ્રક અહીં જ રાખ આ રોડ ક્યાં શોરૂમ વાળાની માલિકીનો છે કહી ઉડતો ઝઘડો લઈ બાદમાં અન્ય માણસોને બોલાવી શોરૂમ સંચાલક ઉમેશભાઈ સાથે ઝઘડો કર્યો હતો.જેમાં ફોર્ચ્યુનરમાં આવેલ શખ્સે બંદૂક જેવું હથિયાર બતાવી ઉમેશભાઇનું અપહરણ કરવા પ્રયાસ કરી શોરૂમનું સીસીટીવી કેમેરાનું ડીવીઆર કાઢી લૂંટ કરી જતા રહ્યા હતા.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.