ટંકારા: મોરબીના કામધેનુ પાર્ટી પ્લોટ પાછળ રહેતા યુવાને તેના વાંકાનેર રહેતા બનેવી વિરુદ્ધ ફરિયાદ કરી હોય જે ફરિયાદ પરત ખેંચી લેવાનું કહી છ શખ્સોએ ટંકારાની ખીજડિયા ચોકડીએ યુવાનના માથામાં ધારીયાના ઘા ઝીકી દેવાની સાથે ઝઘડાના સ્થળે બાઈક લેવા ગયેલા અન્ય એક યુવાનના માથા ઉપર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી છે.
મોરબીના કામધેનુ પાર્ટી પ્લોટ પાછળ મચ્છોનગરમાં રહેતા ભીખાભાઇ સોમાભાઇ સિંધવ ઉ.60 નામના વૃદ્ધે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમના પુત્ર બાબુએ બનેવી નવઘણ કિશોરભાઈ પરમાર રહે. વાંકાનેર વિરુદ્ધ ફરિયાદ કરી હોય જેથી આરોપી ગુલમામદ દરીયાખાન ચૌહાણ, દેવાભાઈ ગુલમામદ ચૌહાણ, કમાભાઈ ગુલમામદ ચૌહાણ, જીગો ગુલમામદ ચૌહાણ, અમીત ગુલમામદ ચૌહાણ અને ટીકુ કમાભાઈ ચૌહાણ રહે. બધા ટંકારા વાળાઓએ ખીજડિયા ચોકડી પાસે બાબુને ફરિયાદ પાછી ખેંચવાનું કહી હુમલો કરી માથામાં લાકડાના ધોકા અને ધારીયા વડે હુમલો કર્યો હતો. બાદમાં સાહેદ ભાવેશ રમેશભાઈ ખીજડિયા ચોકડીએ ઝઘડાના સ્થળે બાઈક લેવા જતા આરોપીઓએ તેને પણ માથામાં ધોકો ફટકારી ગંભીર ઇજા કરી જાનથી મારી નાખવા ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.