વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં ગાડીના પૈસાની લેતી દેતીમાં પાંચ શખ્સોએ યુવાન ઉપર છરી, ધોકા અને પાઇપ વડે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. જો કે હીંચકારા હુમલાની આ ઘટનામાં અગાઉ પોલીસ સમક્ષ અરજી પણ થઈ હતી પરંતુ પોલીસે ગંભીર બની કોઈ પગલાં ન લેતા ઝઘડાએ વરવું રૂપ ધારણ કર્યાનું સામે આવ્યું છે.
વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા હરપાલસિંહ કિશોરસિંહ ઝાલા ઉ.25 નામના યુવાને આરોપી સંજય રાણાભાઈ રાજગોર, લાલો ઉર્ફે શિવાજી રાજગોર, અંકુર ઉર્ફે ભાણું, કેવલ મોહનભાઇ રાજગોર અને અનિલ રાજગોર રહે.તમામ ભાટિયા સોસાયટી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદી અને આરોપીઓ વચ્ચે ગાડીના પૈસા બાબતે માથાકૂટ ચાલતી હોય જેમાં ગઈકાલે આરોપીઓ પાઇપ, ધોકા અને છરી લઈ ધસી આવ્યા હતા. બાદમાં આરોપીઓએ હરપાલસિંહને માથામાં છરી અને પાઇપ મારી આડેધડ ધોકા માર્યા હતા.