Saturday - May 16, 2026

કારના ટાયરમાંથી હવા કેમ કાઢી નાખી તેવી શંકા કરી મહિલા પર હુમલો

કારના ટાયરમાંથી હવા કેમ કાઢી નાખી તેવી શંકા કરી મહિલા પર હુમલો

મોરબીના રણછોડનગર વિસ્તારમાં બનેલી મારામારીની ઘટનામાં ત્રણ મહિલા સહિત છ પાડોશીઓ સામે ગુનો દાખલ

મોરબી : મોરબીના રણછોડનગર વિસ્તારમાં કારમાંથી હવા કાઢી નાખ્યાંની શંકા રાખી પાડોશમાં રહેતા ત્રણ મહિલા સહિતના છ ઈસમોએ મહિલાને માર મારી જાનથી મારી નાખવા અંગે ધમકી આપતા બનાવ અંગે ભોગ બનનાર મહિલાએ પાડોશીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

મોરબી રણછોડનગર પાણીના ટાંકા પાસે રહેતા અને છત્રી ભાડે આપવાનો વ્યવસાય કરતા અલકાબેન કેશુભાઈ થરેસા ઉ.વ.42 નામના મહિલાએ પડોશમાં રહેતા આરોપી શનિભાઈ નવીનભાઈ મારવાણીયા, શિલ્પાબેન શનિભાઈ મારવાણીયા, સાવનભાઈ નવીનભાઈ મારવાણીયા, શનિભાઈના સસરા અરજણભાઈ, શનિભાઈના સાસુ જ્યોત્સનાબેન અને શનિભાઈની સાળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.30ના રોજ તેઓ ઘર પાસે છત્રી રીપેર કરતા હતા ત્યારે શનિભાઈ પોતાની કાર લેવા આવતા કારના ટાયરમાં હવા ન હોવાથી હવા કેમ કાઢી નાખી કહી હવા કાઢ્યાંની શંકા રાખી છત્રીના પાઇપ વડે હુમલો કર્યો હતો.બનાવ સમયે શનિભાઈના પરિવારના સભ્યો પણ દોડી આવ્યા હતા અને તમામે સાથે મળી એકસંપ કરી માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.