: 11 ઓગસ્ટ 1979નો કાળો દિવસ મોરબીવાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે. આ દિવસે મચ્છુના પુર કાળ બનીને મોરબી પર ત્રાટકયા હતા. જેમાં મચ્છુ ડેમ તૂટ્યાની સાથે મોરબીમાં અકલ્પનિય ભયંકર તારાજી થઈ હતી. હજારો લોકો અને પશુઓ મચ્છુ પુરમાં તણાઈને મોતને ભેટ્યા હતા. આ ગોઝારી જળ પ્રલયની દુર્ઘટનાની આજે 45મી વરસીએ આંસુના પુર વહ્યા હતા. મોરબી પાલિકા દ્વારા જળ પ્રલયની દુર્ઘટનાની આજે 44મી વરસીએ હોનારતના સમય એટલે બપોરે 3-15 વાગ્યે 21 સાયરન વગાડી પ્રથમ સાયરને મૌન રેલી કાઢી મણીમંદિર ખાતે આવેલા હોનારતના મૃતાત્માઓના સ્મૃતિ સ્તંભ ખાતે પહોંચીને અધિકારીઓ, પદાધિકારીઓ, સંસ્થાઓના અગ્રણીઓ તેમજ શહેરીજનોએ પુષ્પાજંલી અર્પણ કરી અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી હતી.
11 ઓગસ્ટ, 1979ના રોજ સર્જાયેલી મચ્છુ જળ પ્રલયની ગોઝારી દુર્ઘટના વિશ્વની સૌથી મોટી જળ પ્રલયની દુર્ઘટના પૈકીની એક ગણાય છે. 11 ઓગસ્ટ, 1979 ના રોજ બપોરના 3 વાગ્યાની આસપાસ ઉપરવાસના ભારે વરસાદથી મોરબીનો વિશાળકાય મચ્છુ ડેમ તૂટ્યો હતો. આ સાથે જ મચ્છુ ડેમના પાણી યમરાજ બનીને મોરબી શહેર ઉપર તૂટી પડ્યા હતા અને આખું મોરબી જળમગ્ન બની ગયું હતું. એક જ જાટકે મોરબી આખું તબાહ થઈ ગયું હતું. મચ્છુના પૂરે પળવારમાં જ મોરબીને સ્મશાન બનાવી દેતા હજારો લોકો અને સેંકડો પશુઓ મોતની આગોશમાં સમાય ગયા હતા. જાનમાલની ભયાનક ખુવારી થઈ હતી. મચ્છુ જળ પ્રલયની દુર્ઘટના એટલી બધી ભયાનક હતી કે મોરબી શહેરમાં ચારેકોર વિનાશ સિવાય કંઈ બચ્યું ન હતું. આજે પણ મચ્છુ પ્રલયની દુર્ઘટના તાજી થાય ત્યારે પુરગ્રસ્તો એ પુરની ભયાનકતા કાળજું કંપાવી દે છે.