Wednesday - Apr 29, 2026

ફાયર સ્ટેશન બનાવવા માટે આશિયાનો છીનવાઈ જવાથી લોકો બેઘર બની જશે

મોરબીના સામાકાંઠે આવેલ સર્કિટ હાઉસ પાસે વર્ષોથી રહેતા સાવ સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા શ્રમિકોને તંત્રએ તે જગ્યા ઉલર ફાયર સ્ટેશન બનાવવા માટે ઓચિંતા જ મકાનો ખાલી કરવાની નોટિસ આપતા આ સામાન્ય પરિવારના લોકો ઘરનો એશિયાનો છીનવાઈ જવાથી બેઘર થઈ જવાની દહેશતથી તેમના જીવ તાળવે ચોંટી ગયા છે. આથી આ સામાન્ય વર્ગના લોકોએ કલેકટરને આવેદન આપી તેમના મકાનો પાડતા પહેલાં 66 લોકો માટે રહેઠાણની વૈકલ્પિક સુવિધા આપવાની માંગ કરી છે.

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર સર્કિટ હાઉસ પાસે ભારતનગર મગતિયાપરામાં આશરે 30 જેટલા સામાન્ય મકાનોમાં રહેતા 66 જેટલા લોકોએ કલેકટરને આવેદન આપીને જણાવ્યું હતું કે,  સરકાર દ્વારા તેમના મકાનોની જગ્યાએ નવું ફાયર સ્ટેશન બનાવવાની જાહેરાત કરી હોય આ ફાયર સ્ટેશન બનાવવા માટે અવરોધરૂપ તેમના મકાનો ખાલી કરવાની તંત્રએ નોટિસ ફટકારી છે. આ લોકોની આર્થિક સ્થિતિ એકદમ સાધારણ છે. ઘરનું ગુજરાન માંડ માંડ ચાલતું હોય ત્યારે હવે નવું ઘર બનાવવાનો વેંત ક્યાંથી હોય ? આ લોકો માટે નવું ઘર એ માત્ર પરી કલ્પના જ કહેવાય તેમ છે. નવું ઘર બનાવી શકે એવી આર્થિક સ્થિતિ જ નથી. જો કે આ લોકો 30 વર્ષોથી રહેતા હોય તેમની પાસે મકાન વેરા, રાશનકાર્ડ, લાઈટ બિલ સહિતના પુરાવા પણ છે. જો કે ફાયર સ્ટેશન બને તેમાં કોઈ વાંધો નથી. આ સુવિધા તો બધાના હિત માટે જરૂરી છે. પણ કોઈના આશરાઓના ભોગે આ સુવિધા યોગ્ય ન કહેવાય અને ફાયર સ્ટેશન બનાવવા માટે મકાનો તોડી પાડો એમાં પણ વાંધો નથી. પણ આ મકાનો તોડતા પહેલા તેમના જેવા ગરીબોનું હિત વિચારી તંત્ર અને સરકાર આ લોકો પ્રત્યે સંવેદના દર્શાવી બેઘર બનીને દર દર ભટકે એ પહેલાં અન્ય જગ્યાએ રહેઠાણ માટે પ્લોટો ફાળવો અથવા રહેઠાણની યોગ્ય વ્યવસ્થા કરો તેવી માંગ કરી છે.