રથયાત્રામાં હજારો લોકો જોડતા માર્ગો પર માનવ સાગર લહેરાયો, રથયાત્રાના તમામ રૂટ ઉપર DYSP ના માર્ગદર્શન હેઠળ 3 PI, 20 PSI અને 170 પોલીસ કર્મીઓ ખડેપગે
મોરબી : મોરબી શહેરમાં આજે અષાઢી બીજના પાવન અવસરે ભરવાડ અને રબારી સમાજના પૂજનીય મચ્છુ માતાજીની પરંપરાગત રથયાત્રા નીકળી હતી. છેલ્લા 22 વર્ષથી યોજાતી આ રથયાત્રા મહેન્દ્રપરા સ્થિત માતાજીની જગ્યાથી પ્રસ્થાન થયા બાદ સાધુ સંતો સહિત હજારો લોકો જોડાતા માર્ગો ઉપર માનવ સાગર લહેરાયો હોય એવી સ્થિતિ સર્જાઈ હતી અને રથયાત્રામાં હૈયે હૈયું દળાઈ તેટલી જનમેદની ઉમટી પડતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તમામ રૂટ ઉપર DYSP ના માર્ગદર્શન હેઠળ 3 PI, 20 PSI અને 170 પોલીસ કર્મીઓ ખડેપગે રહ્યા હતા.
રથયાત્રામાં ભરવાડ અને રબારી સમાજના પારંપરિક રાસ અને હુડો ભારે આકર્ષણ જમાવી રહ્યા છે. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભાવિકો માટે આજે સમાજ તરફથી માતાજીને 52 ગજની ધજા અર્પણ કરવામાં આવશે. માઈભક્તો માટે ફરાળની વ્યવસ્થા સાથે 400 કિલો શુદ્ધ ઘીનો શીરો, સૂકીભાજી અને ચેવડો પ્રસાદ સ્વરૂપે પીરસવામાં આવશે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા 200 થી વધુ સ્વયંસેવકો નિઃસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે. આજથી 22 વર્ષ પહેલાં પ્રાગટ્ય દિવસની ઉજવણી માત્ર 10 થી 15 લોકો જ માતાજીના વાઘા બદલીને અને ધજા ચડાવીને સાદાઈથી કરતા હતા. પરંતુ આજે ભક્તોની અપાર શ્રદ્ધાથી આ ઉજવણીએ એક ભવ્ય રથયાત્રાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે.
રથયાત્રામાં ભીડને નિયંત્રિત કરવા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે. DYSP ના માર્ગદર્શન હેઠળ 3 PI, 20 PSI તેમજ 170 જેટલા પોલીસ કર્મચારીઓને બંદોબસ્તની ફરજ સોંપવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું અને સીસીટીવી કેમેરા દ્વારા પણ સમગ્ર રૂટ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.