Sunday - May 17, 2026

માળિયા (મી.) નગરપાલિકાના વહીવટદાર તરીકે મામલતદાર નિમાયા

માળિયા (મી.) નગરપાલિકાના વહીવટદાર તરીકે મામલતદાર નિમાયા

મોરબી : ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજ્યની કુલ ૭૧ નગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત નગરપાલિકા અધિનિયમ, ૧૯૬૩ની જોગવાઈઓ મુજબ આ તમામ ૭૧ નગરપાલિકાઓની મુદત માર્ચ-૨૦૨૬ સુધીમાં પૂર્ણ થવા જઈ રહી છે. આગામી ચૂંટણીઓ યોજાય અને ત્યારબાદ નવી કારોબારી સમિતિની રચના થાય ત્યાં સુધી નગરપાલિકાઓનો વહીવટ સુચારુરૂપે ચાલે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે.

આ ૭૧ નગરપાલિકાઓની યાદીમાં મોરબી જિલ્લાની 'ડી' (D) વર્ગની માળિયા-મિયાણા નગરપાલિકાનો પણ સમાવેશ થાય છે. સરકારના પરિપત્ર મુજબ, માળિયા-મિયાણા નગરપાલિકાના વહીવટદાર તરીકે માળિયા મામલતદારની નિમણૂક કરવામાં આવી છે. આ હુકમ ગુજરાતના રાજ્યપાલના નામે શહેરી વિકાસ વિભાગના નાયબ સચિવ નિલેશ મોદી દ્વારા જારી કરવામાં આવ્યો છે.

● વહીવટદાર અગાઉની ચૂંટાયેલી પાંખની કારોબારી સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવેલા વિકાસલક્ષી કામોના વર્ક ઓર્ડર આપી શકશે.

● આવશ્યક સેવાઓ જેવી કે પાણી, ગટર, લાઇટ તથા અગ્નિશમન અને સફાઇના સાધનો કે વાહનોની મરામત માટે નિયમાનુસાર ખર્ચ કરી શકશે.

● જોકે, વહીવટદાર તેમના કાર્યકાળ દરમિયાન કોઇ પણ પ્રકારના નવા નીતિ વિષયક નિર્ણયો લઇ શકશે નહીં.