મોરબી : હળવદ તાલુકાના રણજીતગઢ ગામ નજીક રેલવે ફાટક નંબર 71 પાસે ટ્રેનની અડફેટે 62 વર્ષીય વૃદ્ધ છગનભાઈ ભગવાનભાઈ મકવાણાનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે મૃતકના મોટાભાઈ નારાયણભાઈ મકવાણા (ઉ.વ. 65)એ હળવદ તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ, છગનભાઈ મકવાણા વર્ષ 2012માં અકસ્માતનો ભોગ બન્યા હતા અને ત્યારબાદ છાતીના ભાગે ઓપરેશન કરાવ્યું હતું. ત્યારથી તેઓ માનસિક તકલીફ અનુભવતા હતા અને અવારનવાર જીવન પ્રત્યે નિરાશા વ્યક્ત કરતા હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન ગત તા. 18 ઓક્ટોબરના રોજ તેઓ પરિવારજનોને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ રણજીતગઢ ગામ પાસેથી પસાર થતી રેલવે લાઇન પર ટ્રેનની અડફેટે આવતાં માથા, હાથ અને પગના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત થયું હતું. આ બનાવને પગલે પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. હળવદ તાલુકા પોલીસે ઘટનાની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.