Thursday - Oct 22, 2026

અજંતા-ઓરપેટ ગ્રૂપના મોભી પ્રવીણભાઈ ભાલોડીયાને ચાંચાપર ગામે અંતિમ વિદાય

અજંતા-ઓરપેટ ગ્રૂપના મોભી પ્રવીણભાઈ ભાલોડીયાને ચાંચાપર ગામે અંતિમ વિદાય

મોરબી : દેશ-વિદેશમાં મોરબીના ઘડિયાળ ઉદ્યોગનો ડંકો વગાડનાર અજંતા ક્લોક ગ્રૂપના મોભી પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભાલોડીયાના અવસાનથી ઉદ્યોગજગતમાં શોકની લાગણી પ્રસરી છે. અમદાવાદ ખાતે હૃદયરોગના હુમલાથી તેમનું નિધન થયા બાદ તેમની અંતિમ ઈચ્છા મુજબ આજે તેમના માદરે વતન ચાંચાપર ગામે અંતિમક્રિયા કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉદ્યોગકારો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રવીણભાઈનો પાર્થિવદેહ ગામમાં પહોંચતાં ગ્રામજનો, મહિલાઓ સહિતના લોકોએ પુષ્પવર્ષા કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
 

અજંતા-ઓરપેટ ગ્રૂપના મોભી પ્રવીણભાઈ ભાલોડીયાને ચાંચાપર ગામે અંતિમ વિદાય

અજંતા કંપનીના સ્થાપક સ્વ. ઓધવજીભાઈ આર. ભાલોડીયા (ઓ.આર. પટેલ) મોરબીની વીસી હાઈસ્કૂલમાં શિક્ષક હતા અને તેમણે વર્ષ 1971માં લાટી પ્લોટ ખાતે ઘડિયાળના વ્યવસાયની શરૂઆત કરી હતી. તેમના ચાર પુત્રો વસંતભાઈ, પ્રવીણભાઈ, જયસુખભાઈ અને અશોકભાઈ પૈકી પ્રવીણભાઈનો જન્મ 27 ડિસેમ્બર, 1953ના રોજ થયો હતો. તેમણે 1980ના દાયકામાં ઘડિયાળના વ્યવસાયની જવાબદારી સંભાળીને અજંતા બ્રાન્ડને નવી ઊંચાઈએ પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમના મોટાભાઈ વસંતભાઈ ભાલોડીયાના જણાવ્યા અનુસાર, મહિલાઓને રોજગારી આપવાનો વિચાર પણ પ્રવીણભાઈનો હતો. વિદેશ પ્રવાસો દ્વારા આધુનિક ટેકનોલોજી લાવીને તેમણે અજંતા ગ્રૂપને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવામાં મોટું યોગદાન આપ્યું હતું. ત્યારબાદ તેમણે ઓરપેટ ગ્રૂપની રચના કરીને ડિજિટલ કેલ્ક્યુલેટર, ડિજિટલ ઘડિયાળ સહિતનાં ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોના વ્યવસાયને પણ વિસ્તૃત કર્યો હતો. આજે અજંતા અને ઓરપેટ ગ્રૂપની દેશ-વિદેશમાં સ્થાપિત ઓળખ પાછળ પ્રવીણભાઈનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યું છે. ચાંચાપર ગામના વતની અને સિરામિક ઉદ્યોગપતિ પ્રવીણભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રવીણભાઈ ભાલોડીયાને પોતાના ગામ અને રાષ્ટ્ર પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. તેઓ હંમેશાં લોકોને પોતાની આર્થિક શક્તિ મુજબ પહેલાં ગામ અને ત્યારબાદ રાષ્ટ્ર માટે યોગદાન આપવા પ્રેરતા હતા. અમદાવાદ ખાતે પોતાના નિવાસસ્થાને હૃદયરોગનો હુમલો આવતાં તેમનું અવસાન થયું હતું. ત્યારબાદ તેમના પાર્થિવદેહને મોરબીના શનાળા રોડ પર આવેલા રેવા બંગલો ખાતે લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી તેમની અંતિમ ઈચ્છા મુજબ ચાંચાપર ગામે લઈ જવામાં આવ્યા હતા. તેમના પુત્રો નેવીલભાઈ અને હિમાંશુભાઈએ મુખાગ્નિ આપતાં અંતિમ સંસ્કાર પૂર્ણ થયા હતા. પ્રવીણભાઈ ભાલોડીયાનું બેસણું આગામી તા. 22, ગુરુવારે મોરબી-રાજકોટ હાઈવે પર લજાઈ ગામ નજીક આવેલા ઉમા સંસ્કારધામ ખાતે રાખવામાં આવ્યું છે.