Monday - Apr 27, 2026

મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીનું સામાન્ય પરિવારની યુવતીઓને આર્થિક રીતે પગભર બનાવવાનું પ્રેરણાદાયી કદમ

મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીનું સામાન્ય પરિવારની યુવતીઓને આર્થિક રીતે પગભર બનાવવાનું પ્રેરણાદાયી કદમ

છ યુવતીઓને બ્યુટી પાર્લર અને મેહંદી કોર્સ સંપૂર્ણપણે મફતમાં શીખવવાની વ્યવસ્થા કરી તેમના જીવનમાં અંધકાર દૂર કરી દિવાળીનો ઉજાશ ફેલાયો

મોરબી : મોરબીમાં દીપોત્સવીના પાવન અવસરે મુસ્કાન વેલફેર સોસાયટીએ આર્થિક રીતે સામાન્ય પરિવારની યુવતીઓને આર્થિક રીતે પગભર બનાવવાનું પ્રેરણાદાયી કદમ ઉઠાવ્યું છે. જેમાં આ સંસ્થાએ સામાન્ય પરિવારની છ યુવતીઓને સ્વનિર્ભર બનાવવાની જવાબદારી ઉપાડી તેમને રોજગારી આપવા માટે બ્યુટી પાર્લર અને મેહંદી કોર્સ સંપૂર્ણપણે મફતમાં શીખવવાની વ્યવસ્થા કરી આપી છે. આ સંસ્થાએ છ યુવતીઓને આર્થિક રીતે પગભર બનાવવાની વ્યવસ્થા કરી આ યુવતીઓના જીવનમાં અંધકાર દૂર કરી દિવાળી જેવો ઉજાશ પ્રગટાવ્યો છે.

મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી ઘણા સમયથી વિવિધ સામાજિક અને સેવાકીય કાર્યો કરી અનેક જરૂરીયાતમંદોને ખુશીઓ આપીને તેમના જીવન ઉજાવ્યા છે. ત્યારે આ મુસ્કાન વેલફેર સોસાયટીએ દિવાળીના અવસરે આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા એક અનોખી પહેલ કરી છે. જેમાં દિવાળીના પાવન અવસરે મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા  સંસ્થાએ 6 યુવતીઓને બ્યુટી પાર્લર અને મેહંદી કોર્સ સંપૂર્ણપણે મફતમાં શીખવવાની વ્યવસ્થા કરી છે. આ તમામ યુવતીઓ આ તાલીમ ઉમા’ઝ પાર્લર ખાતે ઉમાબેન સોમૈયા પાસેથી મેળવશે. ઉમાબેન વર્ષોથી બ્યુટી ક્ષેત્રમાં પોતાની કુશળતા અને અનુભવો વડે અનેક સ્ત્રીઓને પ્રેરણા આપતી આવી છે. તેઓ પોતાની પ્રતિભા અને સેવા ભાવનાથી આ યુવતીઓને તાલીમ આપી તેમને આત્મનિર્ભર બનાવવાના પવિત્ર કાર્યમાં જોડાઈ છે. આ પ્રયાસનો હેતુ છે યુવતીઓને કૌશલ્ય આધારિત શિક્ષણ આપી સ્વરોજગાર માટે પ્રેરિત કરવો અને તેમને આત્મનિર્ભર જીવન જીવવા સક્ષમ બનાવવો. દિવાળીના તહેવારમાં જયારે દરેક ઘર પ્રકાશિત થાય છે, ત્યારે મુસ્કાન વેલફેર સોસાયટી આ તાલીમ દ્વારા આ છ યુવતીઓના જીવનમાં પણ નવી ઉજાસ ફેલાવી રહી છે. વધુમાં સંસ્થાના રંજનાબેન સારડાએ જણાવ્યું હતું કે, આ યુવતીઓ બ્યુટી પાર્લરની તાલીમ મેળવી આર્થિક રીતે પગભર બનીને સ્વમાનભેર જીવી શકશે. મહિલાઓને આજના સમયમાં આત્મનિર્ભર હોવું જરૂરી હોય ત્યારે આ મહિલાઓને સ્વનિર્ભર બનાવવાનું સૌભાગ્ય સાંપડ્યું તે માટે સંસ્થા ભાગ્યશાળી છે અને હજુ વધુ આ દિશામાં પ્રયાસો કરવાનું ઉમેર્યું હતું.
 

મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીનું સામાન્ય પરિવારની યુવતીઓને આર્થિક રીતે પગભર બનાવવાનું પ્રેરણાદાયી કદમ