હળવદ તાલુકાના કેદારિયા ગામે આજે બપોરે રોડ ક્રોસ કરી રહેલા આઠ વર્ષના માસુમ બાળકને હડફેટે લઈ ડમ્પર ચાલકે કચડી નાખતા આ બાળકનુ સ્થળ ઉપર જ કમકમાટીભર્યું મોત નિપજતા હતભાગી પરિવારમાં ભારે અરેરાટી મચી છે.
હળવદના કેદારિયા ગામે રહેતા આઠ વર્ષના ક્રીષ્નાંભાઈ દેવજીભાઈ મજેઠીયા નામનો બાળક આજે બપોરના સમયે કોઈ કારણોસર ગામના બસ સ્ટેન્ડ પાસેથી રોડ ક્રોસ કરતો હતો. ત્યારે સામેથી માતેલા સાંઢની જેમ પુરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે આઠ વર્ષના બાળકને હડફેટે લેતા આ ડમ્પર માસુમ બાળક ઉપર ફરી વળતા ગંભીર ઇજા થવાથી તેનું ઘટનાસ્થળે જ કરુંણ મોત નીપજ્યું હતું. આ જીવલેણ અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ભાગ્યો હતો. પણ આ બનાવની જાણ થતાં ભોગ બનનારનો પરિવાર અને ગામલોકો ઘટનાસ્થળે ઉમટી પડીને ડમ્પરને ઝડપી લીધું હતું. પણ ડમ્પર ચાલક નાસી છૂટ્યો હતો. બાદમાં ગ્રામજનોએ પોલીસને જાણ કરી ડમ્પરને સોંપી દેતા હળવદ પોલીસે આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.