Saturday - May 16, 2026

સિરામિક, પેકેજીગની સાથે હવે પેપર મિલો પણ બંધ થવાના કગાર પર : લાખો શ્રમિકો પર બેરોજગારીનું તોળાતું સંકટ

સિરામિક, પેકેજીગની સાથે હવે પેપર મિલો પણ બંધ થવાના કગાર પર : લાખો શ્રમિકો પર બેરોજગારીનું તોળાતું સંકટ

યુદ્ધની મોરબીના ઉધોગો પર સીધી અસરથી કારખાનાનો બંધ થવાની વાતથી જ શ્રમિકો ફફડી ઉઠ્યા

મોરબી : ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની ગંભીર અસર સિરામિક ઉદ્યોગની સાથોસાથ પેપર મિલો અને પેકેજીંગ ઉદ્યોગો ઉપર પણ જોવા મળી રહી છે. પરિસ્થિતિ એટલી હદે વણસી રહી છે કે પેકેજીંગ ઉદ્યોગો તો સાવ ઠપ્પ થઈ ગયા છે. બીજી તરફ 54 જેટલી પેપર મિલો આગામી 8 થી 10 દિવસમાં બંધ કરવાની નોબત આવી શકે છે. જો કે આ ઉધોગો બંધ થાય તો લાખો શ્રમિકો પર બેરોજગારીનું સંકટ આવી શકે છે. આથી યુદ્ધની મોરબીના ઉધોગો પર સીધી અસરથી કારખાનાનો બંધ થવાની વાતથી જ શ્રમિકો ફફડી ઉઠ્યા છે.

મોરબીમાં 54 જેટલી પેપર મિલો કાર્યરત છે, જે મુખ્યત્વે વિદેશથી વેસ્ટ પેપર ઇમ્પોર્ટ કરે છે. યુદ્ધની સ્થિતિને કારણે વેસ્ટ પેપર ભરેલા જહાજો હાલમાં અટવાઈ ગયા છે. મોરબી પેપર મિલ એસોસિએશન તરફથી જાણવા મળ્યું છે કે, પેપર મિલ ઇન્ડસ્ટ્રી ગ્લોબલ માર્કેટ સાથે જોડાયેલી હોવાથી આયાત-નિકાસને મોટી અસર પહોંચી છે. શિપિંગ લાઈનો દ્વારા કન્ટેનર દીઠ 1500 થી 2000 ડોલરનો વધારાનો 'વોર ચાર્જ' વસૂલવામાં આવી રહ્યો છે. વીમા કંપનીઓ પણ જહાજોના ડેમેજ થવાના ડરથી ઇન્સ્યોરન્સ કવર આપવા તૈયાર નથી. પેપર મિલના બોઈલરમાં ઇન્ડોનેશિયન કોલસાનો 50 થી 60 ટકા જેટલો ઉપયોગ થાય છે. અગાઉ જે કોલસાનો ભાવ 5500 થી 7000 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન હતો, તે હવે વધીને 6500 થી 8000 રૂપિયા થઈ ગયો છે. એટલે કે ટન દીઠ 1200 થી 1500 રૂપિયાનો સીધો વધારો થયો છે. લાંબા શિપિંગ રૂટના કારણે આગામી દિવસોમાં કોલસાની શોર્ટેજ ઊભી થવાની પૂરેપૂરી સંભાવના છે.
 

સિરામિક, પેકેજીગની સાથે હવે પેપર મિલો પણ બંધ થવાના કગાર પર : લાખો શ્રમિકો પર બેરોજગારીનું તોળાતું સંકટ

હાલમાં પેપર મિલો પાસે માત્ર 10 થી 12 દિવસ ચાલે તેટલો જ કોલસાનો અને કાચા માલનો સ્ટોક બચ્યો છે. મોરબીનો પેપર મિલ ઉદ્યોગ સીધી રીતે સિરામિક ઉદ્યોગ પર આધારિત છે. કારણકે 60 ટકાથી વધુ માલ સિરામિક ઉદ્યોગોમાં જ જાય છે. જો યુદ્ધના કારણે ગેસની અછત સર્જાય કે અન્ય કારણોસર સિરામિક ઉદ્યોગના કારખાનાઓ બંધ થશે, તો પેપર મિલ ઉદ્યોગને પણ ફરજિયાતપણે વહેલા નિર્ણયો લઈને પોતાના કારખાનાઓ પર તાળા મારવા પડશે.

બીજી તરફ પેકેજીંગ એસોસિએશન તરફથી જાણવા મળ્યું છે કે, મોરબીમાં પેકેજિંગના 40 ઓટો પ્લાન્ટ તથા 150 જેટલા મેન્યુઅલ પ્લાન્ટ છે. સિરામિક ઉદ્યોગો શટ ડાઉન થવા લાગ્યા છે. ઉપરથી પેપર મિલોને પણ વ્યાપક અસર થઈ છે. એટલે પેકેજીંગ ઉદ્યોગ પણ ઠપ્પ થઈ ગયો છે. જે પ્લાન્ટ 24 કલાક ચાલતા હતા તે અત્યારે 3 કલાક માંડ ચાલે છે. આવી જ પરિસ્થિતિ રહી તો પ્લાન્ટ સંપૂર્ણ બંધ પણ કરવા પડી શકે છે.
 

સિરામિક, પેકેજીગની સાથે હવે પેપર મિલો પણ બંધ થવાના કગાર પર : લાખો શ્રમિકો પર બેરોજગારીનું તોળાતું સંકટ

યુદ્ધના કારણે શિપિંગ કંપનીઓને વીમો ન મળતા અને જોખમ વધતા કન્ટેનરના ભાડામાં 1500 થી 2000 ડોલરનો તોતિંગ 'વોર ચાર્જ' ઝીંકવામાં આવ્યો છે. જેનાથી ઉત્પાદન ખર્ચમાં મોટો વધારો થશે. આ ઉપરાંત જે પેપર મિલોએ નિકાસ કરી છે. તેમને આ ચાર્જ ખોટ સાબિત થઈ રહી છે.

અત્યારે યુદ્ધની અસરને કારણે સિરામિક, પેપર મિલ અને પેકેજીંગ ઉદ્યોગને માઠી અસર પડી છે. તમામ ઉદ્યોગો શટ ડાઉન થઈ રહ્યા છે. આની સીધી અસર રોજગારી ઉપર પણ પડશે. જો સ્થિતિ નહિ સુધરે તો ઉદ્યોગોની હાલત અત્યંત કપરી બનવાની છે.

સિરામિક, પેકેજીગની સાથે હવે પેપર મિલો પણ બંધ થવાના કગાર પર : લાખો શ્રમિકો પર બેરોજગારીનું તોળાતું સંકટ