45 ડી હેઠળના કામો, નંદીઘર, આવાસ યોજના હેઠળના કામોનો હિસાબ આપોના સૂત્રોચ્ચાર કરી રામઘુન બોલાવી
મોરબી : મોરબી નગરપાલિકાની ભ્રષ્ટાચારની પોલ ખુલવા આજે કોંગ્રેસ મેદાને આવ્યું હતું અને કોંગીજનો દ્વારા મોરબી નગરપાલિકામાં બેસીને આક્રમકઃ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમા 45 ડી હેઠળના કામો, નંદીઘર, આવાસ યોજના હેઠળના કામોનો હિસાબ આપોના સૂત્રોચ્ચાર કરી રામઘુન બોલાવી હતી
મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, કોંગી નેતા મનોજભાઈ પનારા સહિતના હોદેદારો અને કાર્યકરોએ આજે મોરબી નગરપાલિકા કચેરીની લોબીમાં બેસી ઘરણા પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના અગ્રણીઓ તેમજ કાર્યકરોએ મોટી સંખ્યામાં મોરબી નગરપાલિકામાં ભાજપે મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આરોપ સાથે ઘણા સમય સુધી પાલિકા અને ભાજપ વિરુદ્ધ નારેબાજી લગાવી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.અગાઉ કોંગ્રેસે 45 ડી હેઠળના કામો, આવાસ યોજના હેઠળના કામો અને નંદીઘરમાં કેટલો ખર્ચ થયો ? ભૂગર્ભના કામોમાં પણ કેટલો ખર્ચ થયો સહિતના વિકાસ કામોમાં કુલ કેટલો ખર્ચ થયો અને આ કામોમાં કેટલી મલાઈ તારવી ? તેની લેખિતમાં માહિતી માંગવામાં આવી હતી. પણ હજુ સુધી માહિતી ન આપતા આ કામોમાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.પાલિકા તંત્રએ ભાજપના નેતાને બચાવવાનો પ્રયાસ કર્યો હોવાથી આ હિસાબો માંગવા માટે કોંગ્રેસે નગરપાલિકામાં મોરચો માંડ્યો છે. તેમ છતાં પાલિકામાં કોઈ જવાબદાર અધિકારી હાજર ન રહેતા કોંગીજનોએ રામઘુન બોલાવી જ્યાં સુધી વિકાસ કામોની માહિતી ન અપાઈ ત્યાં સુધી નગરપાલિકામાંથી હટીશું નહિ તેમ કહીને ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમ છતાં હજુ હિસાબો નહિ અપાઈ તો જનતાને સાથે રાખીને આંદોલન કરવામાં આવશે તેવું કોંગીજનોએ જણાવ્યું હતું.