સંજોગવસાત મહિલાઓને લાચારભરી પરિસ્થિતિમાં ન મુકાવું પડે એ માટે પોતાની સાથે અન્ય મહિલાઓ હસ્તકલાની તાલીમ આપી
રવિ બરાસરા : મધુર દામ્પત્ય જીવનની સુખની મઝધારમાં અચાનક જ પતિનો સાથ છૂટી જાય તો પતિના અવસાનના આઘાતથી ભાંગી પડેલી પત્નીઓ માટે જીવન જીવવું કપરું બની જાય છે. પરંતુ મોરબીના મહિલાએ પતિના અવસાન બાદ પોતાનું દુઃખ ભૂલીને બીજાનું ભલું કરવામાં પોતાની જાતને એટલી હદે ઘસી નાખી કે તેમના અથાક પ્રયાસો અને કઠોર સંઘર્ષથી 100 જેટલી મહિલાઓ આત્મનિભેર બની છે અને હજુ મહિલાઓને સ્વનિર્ભર બનાવવાનો તેમનો કઠોર પરિશ્રમ ચાલુ જ છે.
મોરબીમાં રહેતા માધવીબેન સવાડિયાએ માત્ર 34 વર્ષની વયે પતિનો સાથ ગુમાવ્યો હતો. પતિના અવસાનથી તેઓ થોડા વિચલિત થયા હતા. પણ હિંમત હાર્યા ન હતા. હિંમત અને બહાદુરીપૂર્વક જીવનની આ અણધારી પરિસ્થિતિ સામે લડ્યા હતા. જો કે, આર્થિક રીતે સુખી સંપન્ન હોવાથી તેમને કમાવવા જવાનો પ્રશ્ન રહેતો ન હતો. પણ માધવીબેનના પતિનું વર્ષ 2017માં અવસાન થયું, ત્યારે બે બાળકો અને સાસુ સસરાની જવાબદારી અને ભવિષ્યની ચિંતા તેમની સામે હતી. પરંતુ શોકમાં ડૂબી રહેવાને બદલે તેમણે પોતાની પાસે રહેલી હસ્તકલાની આવડતને જ પોતાનું હથિયાર બનાવ્યું હતું. તેમણે વિચાર્યું કે પોતાના જેવી બીજી કોઈ મહિલાના જીવનમાં આવી અણધારી વિપદા આવે તો તેમની જેમ સુખી સંપન્ન ન હોય તો આવી મહિલાઓની કેવી હાલત થાય ? ત્યારે આ મહિલા હસ્તકલામાં પારંગત થાય તો એમની આજીવિકા તો ચલાવી શકે, આવા ઉમદા વિચારથી તેમણે મહિલાઓ માટે માચી વર્ક, પેઇન્ટિંગ અને મહેંદીના ક્લાસ શરૂ કર્યા. માધવીબેને મહેંદીના ક્લાસ તદ્દન મફત શીખવે છે. તેમની પાસે હાલ 10 વર્ષની બાળકીથી લઈને 61 વર્ષના વૃદ્ધા સુધીની મહિલાઓ તાલીમ લઈ રહી છે. જેમાં માચી વર્ક (હેન્ડ એમ્બ્રોઈડરી), મિરર વર્ક અને મોતી કામ, ફેબ્રિક પેઇન્ટિંગ, મહેંદી આર્ટ વર્કથી100 જેટલી મહિલાઓ આત્મનિર્ભર બની છે
10થી 12 બ્લાઉઝના ઓર્ડર પણ પૂરા કર્યા
માધવીબેનના આ પ્રયાસથી ઘણી મહિલાઓ હવે ઘરે બેઠા બ્લાઉઝ અને અન્ય કપડાં પર વર્ક કરીને ઓર્ડર મેળવતી થઈ છે. તેમની એક વિદ્યાર્થિની ભગવતીબેન ધરોડિયાએ જણાવ્યું કે, "દીદીએ અમને એટલું સરસ શીખવ્યું છે કે હવે મેં 10થી 12 બ્લાઉઝના ઓર્ડર પણ પૂરા કર્યા છે. અને હું એમની પાસેથી તાલીમ લઈ આત્મનિભેર બની છું. એટલે જીવનની કોઈપણ પરિસ્થિતિ આવે તો એનો સામનો કરવા મને આત્મનિર્ભરતા આત્મવિશ્વાસ પૂરો પાડ્યો છે.
61 વર્ષના મહિલા પણ આર્થિક રીતે પગભર બન્યા
61 વર્ષના સરસ્વતીબેન અંધારા કહે છે કે, મારી ઉંમરની સ્ત્રીઓને મોટી વયે કદાચ કોઈ કામ કરતા શરમ કે સંકોચ થતો હશે. પણ કામ કરવામાં શરમ કેવી અને કામ કરવામાં ઉમર ક્યારેય નડતી નથી. આ વિચારધારામાં હું માનતી હોવાથી મેં આ મારાથી નાના ઉંમરના બેન છે તો પણ એમની પાસે હું તૈયાર થઈને હું આત્મનિર્ભર બની છું.
ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને એકદમ મફતમાં તાલીમ
માધવીબેન સવાડિયા કહે છે કે, તેઓ આર્થિક રીતે સુખી સંપન્ન હોય એટલે આ કલાસ ચલાવવા કોઈપણ આવકની તેમને જરૂર નથી. પણ જરૂરિયાતમંદ અને ગરીબ મહિલાઓને મદદરૂપ થવા સાધન સુવિધાઓના ખર્ચ માટે એકદમ નોર્મલ ફી લવ છું. જો કે ગરીબ અને કોઈપણ સમાજની જરૂરિયાતમંદ અને ગરીબ મહિલાઓને એકદમ મફતમાં તાલીમ આપી આત્મનિર્ભર બનાવું છું. જ્યારે દરેક સ્ત્રીએ શારીરિક કે માનસિક ગમે તેવી પરિસ્થિતિમાં પણ હાર ન માનવી જોઈએ. આજે તેમના ક્લાસમાં 25થી 30 મહિલાઓ દરરોજ કંઈક નવું શીખીને પોતાની ઓળખ બનાવી રહી છે."હું ઈચ્છું છું કે જે સંઘર્ષ મેં જોયો છે, તે જોઈને અન્ય મહિલાઓ પ્રેરણા લે અને કોઈની સામે હાથ ફેલાવવાને બદલે પોતે જ આત્મનિર્ભર બને." તેવું તેમણે જણાવ્યું હતું.