Thursday - Apr 23, 2026

મોરબીમાં પતંગ-દોરાના આડેધડ સ્ટોલ નાખશો તો થશે કાર્યવાહી : મનપાની મંજૂરી ફરજિયાત

મોરબીમાં પતંગ-દોરાના આડેધડ સ્ટોલ નાખશો તો થશે કાર્યવાહી : મનપાની મંજૂરી ફરજિયાત

ટ્રાફિકને અડચણરૂપ પતંગ-દોરાના સ્ટોલને ક્યાંય પણ મંજૂરી નહિ અપાઈ

મોરબી : મોરબીમાં અગાઉ નગરપાલિકાના શાસનમાં ઉત્તરાયણ પર્વ ઉપર પંતગ દોરાના સ્ટોલ માટેની મંજૂરીની સિસ્ટમ જ ન હતી. આથી શહેરમાં આડેધડ પંતગ દોરાના સ્ટોલ ખડકી દેવાતા પરિણામે ટ્રાફિકને અસર પહોંચતી હતી. પણ હવે મનપા આવતા નવા નવા નીતિ નિયમો લાગુ કરી દેવાયા છે. મનપાએ આગામી ઉત્તરાયણ પર્વને લઈને ફરમાન જાહેર કર્યું છે કે, ટ્રાફિકને અડપણરૂપ બને તે રીતે આડેધડ પંતગ દોરાના સ્ટોલ નાખશો તો કાર્યવાહી થશે. એટલે પંતગ દોરાના સ્ટોલ માટે મનપાની મંજૂરી મેળવવી ફરજિયાત છે.

મોરબી મહાનગરપાલિકાએ આગામી ઉત્તરાયણ પર્વ ઉપર જાહેરમાં પતંગ દોરાના સ્ટોલ નાખતા નાના મોટા ધંધાર્થીઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં મનપાએ જાહેરમાં પતંગ દોરાના સ્ટોલ નાખતા નાના મોટા ધંધાર્થીઓને સ્ટોલ નાખવા મનપાની મંજૂર લેવી ફરજિયાત રહેશે તેવી સૂચના આપી છે અને ટ્રાફિકના ભોગે કોઈપણ સ્થળે સ્ટોલને મંજુરી નહિ અપાઈ તેવું પણ સખત વલણ જાહેર કર્યું છે. વેપારીઓને સ્ટોલ માટે મંજૂરી મેળવવા મહાનગરપાલિકાની કચેરીમાં છેલ્લી તારીખ 10/01/2026 સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ અને સ્ટોલ નાખવાના સ્થળ સહિતની વિગતો સાથે લેખિતમાં અરજી કરવાની તાકીદ કરી છે. મંજૂરી વગર સ્ટોલ સામે કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે, અત્યાર સુધી દર વર્ષે દિવાળીમાં અનેક સ્થળે મંજૂરી વગર ફટાકડાના સ્ટોલ ખડકતા હતા. પણ આ વખતે મનપાએ નિયમોનું કડક પાલન કરાવતા મંજૂરી વગરના એકપણ ફટાકડાના સ્ટોલ નખાવા દીધા ન હતા. આવી જ કાર્યવાહી હવે ઉતરાયણમાં પણ થશે તેવા મનપાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે.