ટંકારા તાલુકાના જીવાપર (ટ) ગામે 2011ની વસ્તી મુજબ જ પાણી વિતરણ થતું હોય અને હવે આ ગામની વસ્તીનો મોટો વિસ્ફોટ થવાથી મોટાભાગના ગામલોકો તરસ્યા રહી જાય છે. આથી રોજેરોજની પાણીની હૈયાહોળીને કારણે આજે મહિલાઓ રોષે ભરાતા ગ્રામ પંચાયતે પાણી વિતરણ કરતા કોન્ટ્રાકટરને બોલાવી વેડા સરઘસ સાથે ઘેરાવ કર્યો હતો અને હાલની વસ્તી મુજબ પાણી વિતરણ કરવાની રજુઆત કરી હતી.
જીવાપર ટંકારા ગ્રામ પંચાયતના સરપંચ રેખાબેન કમલેશભાઈ નિમાવતે જણાવ્યું હતું કે તેમના ગામા વર્ષ 2011ની 1267 જેટલી વસ્તી મુજબ જ આજે પણ પાણી પુરવઠા દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું હોય આ પાણી ખૂબ જ ઓછું છે. કારણ કે. અત્યારે ગામની વસ્તીનો વિસ્તફ્ટ થયો છે. હાલમાં ગામની 1800 ઉપર વસ્તી થઈ ગઈ છે. આમ છતાં પાણી પુરવઠા તંત્ર દ્વારા જૂની વસ્તી મુજબ જ પાણી આપવામાં આવે છે. તેથી 25થી 30 ટકા જ પાણી વિતરણ થતું હોય મોટાભાગના ગ્રામજનો પાણી વગરના રહી જાય છે. એટલે આવા અનેક ગામલોકો પાણીની એક એક બુંદ માટે તરસી રહ્યા છે. રોજે રોજ ગામમાં પાણીની રામાયણ થાય છે. ખાસ કરીને પાણીના અભાવે મહિલાઓ પાણીનો કાળો કકળાટ કરી મૂકે છે.એટલે આજે પાણી પુરવઠાના પાણી વિતરણ કરતા કોન્ટ્રાકટરને ગામમાં બોલાવીને ગામમાં પાણીની સાચી પરિસ્થિતિબો અહેસાસ કરાવ્યો હતો. મહિલાઓએ પણ બેડા સરઘસ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી અને પાણી મુદ્દે થતા અન્યાયને દૂર કરવાની માંગ કરી હતી. તેમજ સરપંચ અને ગ્રામ પંચાયત દ્વારા પાણી પુરવઠાના અધિકારીને લેખિત રજુઆત કરાઈ હતી.