મોરબીમાં એસટી બસનું રૂપાળું સૂત્ર સલામતી સવારી પણ ટાઈમ ટેબલની કોઈ ગેરેટી નહિ એટલે એસટી બસ ક્યારે આવે અને ક્યારે જાય એ નક્કી જ હોતું નથી. પરિણામે વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ મામલે મોરબીના નવા બસ સ્ટેન્ડમાં એસટીની અનિયમિતતા મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ વિદ્યાર્થીઓને સાથે રાખી મોરચો માંડ્યો હતો. તેમજ એસટી બસની અનિયમિતતા કારણે વિધાર્થીઓનો પડતી મુશ્કેલી અંગે નવા બસ સ્ટેન્ડ ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે વિદ્યાર્થીઓને સાથે રાખીને રજુઆત કરી હતી કે, મોરબીમાં એસ.ટી બસના ટાઈમ ટેબલ જના કોઈ ઠેકાણા જ નથી. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની એસટી ક્યારે આવે અને ક્યારે જાય એ નક્કી જ હોતું નથી. એસટીનું ટાઈમ ટેબલ માટે કાગળ ઉપર જ રહે છે અને હકીકતમાં એસટી બસો મનસ્વી રીતે જ દોડે છે. આ બસોની અનિયમિતતા કારણે વિધાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મોરબીના નવા બસ સ્ટેન્ડથી નીકળતી મોરબી – રાસંગપર રૂટ પર બસ હમેશા અનિયમીત જ દોડે છે. જેને કારણે વિધાર્થીઓ સમયસર ઘરે પહોંચી શકતા નથી. આ રૂટ પર 100થી પણ વધુ વિદ્યાર્થીઓ અપડાઉન કરતા હોવા છતાં ફક્ત એક જ બસ એસ.ટી ડેપો દ્વારા દોડાવવામાં આવે છે. આ બીજી બસ દોડાવવાની વિદ્યાર્થીઓએ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. એટલે આજે સ્થાનિક એસ ટી તંત્ર સામે મોરચો માંડવો પડ્યો હતો. આથી એસટી તંત્રે પૂરતા પ્રમાણમાં બસો દોડાવવાની અને નિયમિત રીતે બસો દોડાવવાની પણ ખાતરી આપી છે.
હમ નહિ સુધરેંગે, એસટીનું ચલક ચલાણુ
મોરબી એસટી તંત્રનો ભૂતકાળ ખૂબ જ ખરાબ છે. એક તો ઉડાવ જવાબ આપે એવો સ્ટાફ છે ઉપરથી એસટી બસો ખખડધજ છે અને એટલું ઓછું હોય તો બસો ઘણી જ અનિયમિત હોય છે. સરકારી કાર્યક્રમોને કારણે એસટીના કેટલાક રૂટ કેન્સલ કરી દેવાય છે. એથી એ રૂટ પરના મુસાફરો અને વિદ્યાર્થીઓ રઝળી પડે છે. આવા ખરાબ ભૂતકાળમાં કેટલીક નવી બસો આવી છે. એ સિવાયની બીજી ખામીઓ યથાવત રહી છે. જો કે બસ સ્ટેન્ડને પણ નવું બનાવાયું છે. પણ પાન-માવાના શોખીનો અને ગંદકી ફેલાવતા તત્વો બહુ જલ્દીથી આ નવા બસ સ્ટેન્ડને જૂનું કરી દેશે.