Saturday - Jul 04, 2026

કાલે મોરબી આવતા અમિત શાહ સમક્ષ આપ પાર્ટી વિવિધ પ્રશ્નો રજૂ કરશે

કાલે મોરબી આવતા અમિત શાહ સમક્ષ આપ પાર્ટી વિવિધ પ્રશ્નો રજૂ કરશે

મોરબી : આવતીકાલે 21 નવેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ મોરબીમાં ભાજપના કમલમ કાર્યાલયના ઉદઘાટન માટે આવી રહ્યા છે. ત્યારે મોરબી આમ આદમી પાર્ટી દ્વારા આવતીકાલે મોરબીની જનતાની સુવિધાઓ માટે ગૃહમંત્રી અમિતભાઈ શાહને આવેદનપત્ર આપવામાં આવશે.

મોરબી આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટીના નેતા પંકજભાઈ રાણસરીયાએ જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા પોતાના નેતાઓ અને કાર્યકરોની સુખ સુવિધા માટે કરોડોના ખર્ચે કમલમ કાર્યાલય ઉભું કરવામાં આવતું હોય તો મોરબીની જનતાના વર્ષો જુના પ્રાણ પ્રશ્નોનું શું ? આ મામલે આવતીકાલે આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા ગૃહમંત્રી અમિતભાઈ શાહને આવેદનપત્ર આપવામાં આવશે. કોઈ મોટા નેતા આવતા હોય ત્યારે રોડ રસ્તા સહિતની સુવિધાઓ ટેમ્પરરી સારી કરી દેવામાં આવે છે પરંતુ આજીવન મોરબીની જનતાને તમામ સુવિધાઓ મળે તેવી અમારી માંગણી ગૃહમંત્રી સમક્ષ રજૂ કરીશું.
 

કાલે મોરબી આવતા અમિત શાહ સમક્ષ આપ પાર્ટી વિવિધ પ્રશ્નો રજૂ કરશે

આ ઉપરાંત મોરબીના પ્રાણ પ્રશ્નો જેવા કે સિરામિક પર જીએસટીમાં ઘટાડો કરવામાં આવે, એક્સપોર્ટમાં બેનિફિટ આપવામાં આવે, મોરબી જિલ્લાની ત્રણેય બ્રાંચ કેનાલના ધોરિયાના વર્ષો જુના કામ પડતર છે તે પૂર્ણ કરવામાં આવે, રોડ-રસ્તા, સફાઈ, ભુગર્ભ ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે, ઐતિહાસિક ધરોહરની સારસંભાળ રાખવામાં આવે. આ તમામ માંગણીઓ આવતીકાલે ગૃહમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવશે.