રમકડાં દ્વારા બાળકો મેળવી રહ્યા છે શિક્ષણ.
ટંકારા:શિક્ષણ જ્યારે પ્રવૃત્તિ અને આનંદ સાથે જોડાય છે ત્યારે તે બાળકો માટે બોજ નહીં પણ ઉત્સવ બની જાય છે. આવો જ એક પ્રશંસનીય નજારો ટંકારાની હિરાપર પ્રાથમિક શાળામાં જોવા મળી રહ્યો છે. શાળાના આચાર્ય અને શિક્ષક બેચરભાઈ ગોધાણી દ્વારા ‘સપ્તરંગી શનિવાર’ અંતર્ગત પ્રજ્ઞાવર્ગના બાળકો માટે અવનવા શૈક્ષણિક રમકડાં બનાવીને શિક્ષણને જીવંત કરવામાં આવ્યું છે.
હીરાપર પ્રાથમિક શાળામાં પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન આપવામાં આવે છે જેમાં ધોરણ 1 અને 2 ના બાળકોને જિજ્ઞાસા સંતોષવા માટે કુતૂહલપ્રેરક રમકડાંઓ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે.
આ ડિજિટલ ક્રાંતિથી બાળકો મોબાઈલમાં ગેમ્સ કે રીલ્સ પાછળ સમય બગાડવાને બદલે જ્ઞાન મેળવે તે હેતુથી શિક્ષકે 100 જેટલી ઓનલાઈન ઇન્ટરએક્ટિવ ગેમ્સ બનાવી છે, જેનો લાભ રાજ્યના લાખો વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે. અને યુટ્યુબના માધ્યમથી પ્રસાર અને પ્રચાર પણ કરી રહ્યા છે, શાળાની પ્રવૃત્તિઓના વિડીયો યુટ્યુબ ચેનલ દ્વારા સમગ્ર ગુજરાતની શાળાઓ સુધી પહોંચાડવામાં આવે છે.
આ પ્રવૃત્તિ લક્ષ્ય શિક્ષણનું રાજ્ય કક્ષાએ નોંધ લેવામાં આવી છે જેમાં GCERT ગાંધીનગર દ્વારા પ્રકાશિત થતા સામિક ‘જીવન શિક્ષણ’માં આ કાર્યની વિશેષ નોંધ લેવામાં આવી છે અને રાજ્યની 30,000 શાળાઓ સુધી આ મોડેલ પહોંચાડાયું છે, એમ તેમનું કહેવું છે.
આકર્ષક બાળમિત્ર વર્ગખંડ
માત્ર ટેકનોલોજી જ નહીં, પણ ભૌતિક વાતાવરણ સુધારવા માટે શિક્ષકે જાતે વર્ગખંડમાં ચિત્રકામ અને રંગકામ કરીને તેને આકર્ષક ‘બાળમિત્ર વર્ગ’ તરીકે તૈયાર કર્યો છે. પ્રજ્ઞા અભિગમ (પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન) ને ખરા અર્થમાં ચરિતાર્થ કરતી આ શાળા આજે અન્ય સરકારી શાળાઓ માટે ઉદાહરણરૂપ બની છે.