મોરબી: મોરબી શહેરના નાની કેનાલ રોડ પર આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી સંચાલિત ક્લિનિક અને સત્યમ હોસ્પિટલ દ્વારા ગત રવિવાર, ૨૧ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ એક નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૩૫થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓએ નિષ્ણાત ડોક્ટરોની સેવાનો લાભ લીધો હતો.
કેમ્પ દરમિયાન જાણીતા નિષ્ણાતો ડૉ. પુનિત પડ્સુંબિયા (ઓર્થોપેડિક નિષ્ણાત) અને ડૉ. ધર્મેશ ભાલોડિયા (MD મેડિસિન) દ્વારા સેવા આપવામાં આવી હતી. જેમાં ખાસ કરીને મોટી ઉંમરે થતા રોગો, ડાયાબિટીસ, બી.પી., કિડની, હૃદય, લીવર અને નસોની તકલીફોનું ઝીણવટભર્યું નિદાન કરવામાં આવ્યું હતું. સાથે જ દર્દીઓને જરૂરી ફિઝિયોથેરાપી સારવાર અંગેનું વિશેષ માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.
આ કેમ્પનું સફળ સંચાલન ડૉ. રાહુલ છતલાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ. હિરલ જાદવાણી, ડૉ. ધ્વનિ નીમાવત, ડૉ. ખ્યાતિ પરમાર અને ડૉ. પ્રતિક દેસાઈની ટીમે સક્રિય ભૂમિકા ભજવી દર્દીઓની તપાસ કરી હતી.
ફિઝિયોથેરાપી અંગે જાગૃતિ અભિયાન
કેમ્પમાં વિશેષ આકર્ષણ એ રહ્યું કે ઇન્સ્ટિટ્યૂટના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ અને ડોક્ટરોએ સાથે મળીને લોકોને 'ફિઝિયોથેરાપી એટલે શું?' અને તેનાથી થતા ફાયદાઓ વિશે ઊંડાણપૂર્વકની સમજ આપી જાગૃતિ ફેલાવી હતી.
મેનેજમેન્ટ દ્વારા પ્રશંસા આર્યતેજ ગ્રૂપ ઑફ કૉલેજીસના મેનેજમેન્ટ દ્વારા તમામ ફેકલ્ટી મેમ્બર્સ અને વિદ્યાર્થીઓના સેવાભાવી પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા. સંસ્થાએ આગામી સમયમાં પણ જનહિત માટે આવા વધુ આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.