Tuesday - May 05, 2026

મોરબીમાં સ્કૂલના વિદ્યાર્થીઓને જોખમી વાહન સવારીથી અટકાવવા પોલીસની ખાસ ઝુંબેશ

મોરબીમાં સ્કૂલના વિદ્યાર્થીઓને જોખમી વાહન સવારીથી અટકાવવા પોલીસની ખાસ ઝુંબેશ

શાળાઓ શરૂ થતાં જ પોલીસે સ્કૂલોમાં જઈ 18 વર્ષથી નીચેના બાળકોને વાહનો ચલાવવા ન દેવાની સુચનાં આપ્યા બાદ તેની કડક અમલવારી માટે આજથી ત્રણ દિવસની ડ્રાઈવ શરૂ કરી

મોરબી :  ટ્રાફિકના નિયમો મુજબ 18 વર્ષથી નીચેના બાળકોને વાહનો ચલાવવાની મનાઈ છે. આમ છતાં આજે દેખાદેખીમાં આવા બાળકોને માબાપ પણ વાહનો લઈને આપતા હોય અને બાળકો પણ કોઈ રોકટોક વગર વાહનો ચલાવીને ટ્રાફિકના નિયમોનો સરેઆમ ભંગ કરે છે. ત્યારે મોરબીમાં પોલીસે ટ્રાફિકના નિયમોનો ઉલાળીયો કરતા તરૂણોને કાયદાનું ભાન કરાવવા દાખલ રૂપ કાર્યવાહી શરૂ કરી છે અને પોલીસે આજથી ત્રણ દિવસ શહેરના વિવિધ ટ્રાફિકના પોઇન્ટ ઉપર ખાસ ઝુંબેશ ડ્રાઇવ શરૂ કરી 18 વર્ષથી નીચેની ઉંમરના વાહન ચલાવતા બાળકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં ખાસ તો શાળાઓમાં સ્કૂલે અભ્યાસ કરતા 18 વર્ષથી નીચેની ઉંમરના બાળકો જોખમી વાહન ડ્રાઈવ કરતા હોવાનું પોલીસને વારંવાર ધ્યાને આવ્યું હોય આ બાબતે તેમના વાલીઓને વખતોવખત ચેતવણી  આપી સ્કૂલ મેનેજમેન્ટનું પણ ધ્યાન દોરવા છતાં આ રીતે મનમાની ચાલુ રહેતા હમણાં શાળા શરૂ થઈ ત્યારે પોલીસે શાળાઓમાં એક અઠવાડિયા સુધી જઈને  18 વર્ષથી નીચેના બાળકો કોઈપણ જાતના વાહનો ચલકવી લઈને સ્કૂલે ન જાય. આ બાબત ટ્રાફિકના નિયમોનો ભંગ હોય હવે પછી કોઈપણ સ્કૂલના બાળક ટ્રાફિક પોઇન્ટ ઉપર વાહન ચલાવતા દેખાશે તો નિયમ મુજબ કાર્યવાહી કરાશે. સાથેસાથે સ્કૂલ વાહનો પણ ટ્રાફિક નિયમોનું પાલન કરે અને તમામ ડોક્યુમેન્ટ સાથે રાખે. આ સૂચનાઓ આપ્યા બાદ હવે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમોએ ખાસ સ્કૂલે વાહનો લઈને નીકળતા બાળકો જોખમી વાહન સવારી ન કરે તે માટે કાયદાનું ભાન કરાવવા આજથી ત્રણ દિવસ ખાસ ડ્રાઇવ શરૂ કરી છે. જેમાં મહેન્દ્રનગર ચોકડી, મહારાણા પ્રતાપ સર્જલ, નટરાજ ફાટક, કેસરબાગ પાસે, ઉમિયા સર્કલ પાસે સહિતના પોઇન્ટ ઉપર વાહન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આજના પ્રથમ દિવસે સવારે કેટલાક વિદ્યાર્થીઓ અને સ્કૂલ વાહનો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.