Monday - Jul 06, 2026

મચ્છુ ડેમ ખાલી કરાતા પાણીની ગંભીર કટોકટી સર્જાઈ

મચ્છુ ડેમ ખાલી કરાતા પાણીની ગંભીર કટોકટી સર્જાઈ

મોરબીના મચ્છુ ડેમના દરવાજા માટે રિપેરીગ માટે ડેમ ખાલી કરતા મોરબીવાસીઓ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંમાં ઉપર જળ સંકટ તોળાયુ છે. જેમાં ડેમમાં પાણી ન હોવાથી પાણીના ધાંધિયા સર્જાયા છે. મોરબીના વીસીપરા વિસ્તારની સોસાયટીમાં પાણી વિતરણની વ્યવસ્થા ખોરવાઈ છે. ઘણા સમયથી પાણી ન આવતા આ સોસાયટીની મહિલાઓએ પાણી પ્રશ્ને નગરપાલિકામાં મોરચો માંડ્યો છે  જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ માળિયા વનાળિયા ગામે એક મહિનાથી પાણી આવતું ન હોવાથી લોકો કાળઝાળ થયા હતા અને શહેર કોંગ્રેસ પ્રમુખે આ મુદ્દે કલેકટરને રજુઆત કરી જન આંદોલન કરવાની ચીમકી આપી હતી.

મોરબીના વીસીપરા વિસ્તાર અંદર આવેલ મદીના સોસાયટીની મહિલાઓ આજે પાણી પ્રશ્ને નગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા પહોંચીને જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસથી અડધી સોસાયટીમાં પાણી આવે છે અને અડધી સોસાયટીમાં પાણી આવતું ન આવતું હોવાથી આ અડધી સોસાયટી તરસી રહે છે. બે-ત્રણ વખત નગરપાલિકાએ રજૂઆત કરવા આવ્યા હતા પણ કોઈ જવાબ દેતું નથી. હવે જો પાણી નહીં આપે તો અમે નગરપાલિકામાં જ બેસી રહીશું અને પાલિકામાં રજૂઆત કરીએ છીએ તો જવાબ મળે છે કે લાઈન ખોદી નાખી છે પાંચ દિવસમાં પાણી આવી જશે પરંતુ 15 દિવસ થવા છતાં પાણી આવતું નથી. પાણી વિના અમારી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.તેથી જ્યાં સુધી પાણી પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી પાલિકામાં બેસી રહીને આંદોલન કરવાનું જણાવતા તંત્રને રેલો આવતા તંત્રએ આ મામલો હાલના તબક્કે થાળે પાડ્યો છે.

દરમિયાન મોરબીના સામાકાંઠાના છેવાડા  વિસ્તાર અને હમણા જ નવી ગ્રામ પંચાયત જાહેર થયેલા માળિયા વનાળિયા ગામે છેલ્લા એક માસથી પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે. મચ્છુ ડેમ ખાલી થતા હવે  આ ગામમાં પાંચ કે છ દિવસે પાણી આપવામાં આવતા આ ગામની અંદાજે 7 હજારની વસ્તી તરસી રહે છે. હાલ ભર ઉનાળામાં આવી પાણીની ગંભીર સમસ્યા સર્જાય હોય અને હજુ ચોમાસું શરૂ થવાને વાર હોય ત્યારે આગામી દિવસોમાં હજુ વધુ પાણીની કટોકટી થશે કે કેમ તે વિચારીને સ્થાનિક લોકો મુંઝવણમાં મુકાય ગયા છે.

વર્ષોથી પાણી માટે તંત્ર સામે કપરો સંઘર્ષ કરવો પડ્યો

માળીયા વનાળીયા અને તેની આજુબાજુના વિસ્તારો આગાઉ પાલિકાની હિસ્સો હોય ત્યારબાદ ત્રાજપર ગ્રામ પંચાયત હેઠળ આવ્યા બાદ ઘણા સમયથી માળીયા વનાળીયા, રામદેવનગર, શક્તિ સોસાયટી, ઉમિયાનગરમાં લોકોને એક એક બુંદ પાણી માટે તરસવુ પડતું હતું.

વર્ષોથી પાણીની સમસ્યાએ પીછેહઠ ન કરી

80 પછી એટલે 85ની સાલમા પહેલા નગરપાલિકા દ્વારા જાહેરમાં શેરીએ શેરી ત્રણ ચાર નળ નાખીને વિતરણ કરાતું હોય પછી આ વિસ્તાર ત્રાજપરમાં આવી જતા નગરપાલિકાએ પાણી આપવાનું બંધ કરી દેતા મહિલાઓને એક બેડા પાણી માટે એક, દોઢ કે ત્રણ કિમિ દૂર સોઓરડી, કુબેર ટોકીઝ કે પીકનીક પોઇન્ટ ઉપર જવું પડતું હતું.  આ વિસ્તારોમાં પાણી માટે સ્થાનિકોએ તંત્ર સમક્ષ કપરો સંઘર્ષ કર્યો હતો. ત્યારે સ્થાનિક અગ્રણીઓના પ્રયાસોથી પાણીની પાઇપલાઇન નાખીને એક કિમિ દૂર નઝરબાગથી પાણી વિતરણ કરાતું અને હવે આ બધા વિસ્તારોથી એક ગામની રચના થયા બાદ પણ પાણીની સમસ્યાએ પીછેહઠ કરી નથી.

7 હજારની વસ્તીને પાણી વગર વલખા મારવા પડે છે

માળિયા વનાળીયા ગામને મચ્છુ ડેમમાંથી પાણી મળતું હોય પણ હમણાં રિપેરીગ માટે મચ્છુ ડેમ ખાલી કરાતા માળિયા વનાળિયા ગામે પાંચ દિવસે પાણી આવતા 7 હજારની વસ્તીને પાણી વગર વલખા મારવા પડે છે. એક મહિનાથી આ સમસ્યા હોય પણ એક મહિના પહેલા એકાતરા પાણી આવતું હોય આથી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ સંબધિત તંત્રને રજુઆત કરી નઝરબાગ સંપેથી આ ગામનો વાલ્વ ખોલીને નિયમિત પાણી આપવાની માંગ કરી અન્યથા આંદોલન કરવાની ચીમકી આપી છે.