સોમનાથ : રંગમંચ અને લલિત કલાઓને સમર્પિત અખિલ ભારતીય કલાસંસ્થા સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત વર્ષ પ્રતિપદા મહોત્સવ ‘પ્રભાસોત્સવ–૨૦૨૬’ ૧૮મી માર્ચના સૂર્યાસ્તથી ૧૯મી માર્ચના સૂર્યોદય સુધી સોમનાથ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, પવિત્ર યાત્રાધામ વિભાગ તથા ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી યોજાયેલા આ ઉત્સવે સમગ્ર ગુજરાતના કલાકારોને એક મંચ પર લાવ્યા હતા.
આ મહોત્સવમાં કચ્છથી લઈ દાહોદ સુધીના ૨૨ જિલ્લાઓમાંથી કુલ ૩૭૨ જેટલા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. “સ્વદેશી અને સ્વાભિમાન” થીમ પર આધારિત સમગ્ર રાત્રી દરમિયાન ચાલેલા કાર્યક્રમમાં શાસ્ત્રીય નૃત્ય, ભવાઈ, લઘુ નાટિકા, લોકનૃત્ય, સુગમ અને શાસ્ત્રીય સંગીત, લોકસંગીત, ગરબા-રાસ અને નૃત્યનાટિકાના અદ્ભુત કાર્યક્રમો રજૂ થયા હતા.
મોરબી જિલ્લા સંસ્કાર ભારતીના કલાકારો દ્વારા સંસ્કાર ભારતી ધ્યેયગીત અને શાસ્ત્રીય ગાયનની સંગીતમય રજૂઆતથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસ્તુતિમાં અશ્વિન બરાસરા, ડો. બ્રિજેશભાઈ બરાસરા, માધુરીબેન વારેવડીયા, જીજ્ઞાસાબેન બાગા, મનીષાબેન ગોસાઈ, ધ્રુવગીરી ગોસાઈ, જીગ્નેશભાઈ જાદવ, હાર્દિક મચ્છોયા, વેદાંગ રાવલ, ભાસ્કર પૈજા અને નિરાલી પ્રજાપતિ સહિતના કલાકારો જોડાયા હતા.
મહોત્સવમાં ગુજરાતના જાણીતા કલાકારો શાહબુદીન રાઠોડ, હાજી રમકડું, અભેસિંહ રાઠોડ, લલિતાબેન ધોડાદ્રા અને રાધાબેન વ્યાસે પણ પોતાની કળા દ્વારા મંચને ગૌરવ અપાવ્યું હતું.
આ પ્રસંગે સોમનાથ મંદિર પરિસરમાં ભારતના બંધારણના ૭૫ વર્ષ નિમિત્તે ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત શહેરમાં ‘કલા ધરોહર યાત્રા’ યોજાઈ હતી, જેમાં ભાતીગળ વસ્ત્રો અને ટેબ્લોના માધ્યમથી ભારતીય સંસ્કૃતિનું જીવંત દર્શન કરાયું હતું. યાત્રા બાદ ત્રિવેણી સંગમ ખાતે સમૂહ સાંજ આરતી યોજાઈ હતી.
કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે સંભાળ્યું હતું. ટ્રસ્ટી જે.ડી. પરમાર, જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા, જિલ્લા પંચાયત અધ્યક્ષા મંજુલાબેન મુછાળ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્કાર ભારતીના પ્રાંત અધ્યક્ષ અભેસિંહ રાઠોડે સ્વાગત પ્રવચન આપ્યું હતું.
આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનાર કલાકારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંકલન પંકજ ઝાલાએ સંભાળ્યું હતું.