મોરબી :- મોરબીની દોશી એમ. એસ.અને ડાભી એન. આર. હાઈસ્કૂલમાં શાળા અને ગાયત્રી ચેતના કેન્દ્રનાં સંયુક્ત ઉપક્રમે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન અંતર્ગત ગાયત્રી ચેતના કેન્દ્ર મોરબી તરફથી આવેલ મહેમાન શૈલેષભાઈ ભટ્ટ (ડેપ્યુટી ડીડીઓ, મોરબી), બિઝનેસમેન વાત્સલ્યભાઈ ગડારા અને પાર્થભાઈ ગડારા ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય ભરતભાઈ ગોપાણીએ મહેમાનોનો પરિચય કરાવી તેમનું શાબ્દિક સ્વાગત કર્યું હતું, મુખ્ય વક્તા શૈલેષભાઈ ભટ્ટે વિદ્યાર્થીઓને 'વિદ્યા પ્રાપ્તિ' અને 'શિક્ષણ પ્રાપ્તિ' વચ્ચેની પાતળી ભેદરેખા ઉદાહરણ સાથે સમજાવી હતી,
વિદ્યાર્થી અવસ્થામાં જીવન જીવવાના અને કાર્ય કરવાના ચાર સોપાન વિશે સમજાવી પ્રેરણાત્મક ઉદબોધન આપ્યુ હતું, વ્યસન યુક્ત જીવનની અગાધ મુશ્કેલીઓ અને વ્યસન મુક્ત જીવનની સુવાસ થી પરિવાર અને વ્યક્તિગત જીવનમાં આવતા બદલાવ વિશે સમજ આપી હતી, વિદ્યાર્થીઓને ટકોર સાથે કહ્યું કે તમે તો વ્યસન મુક્ત હોવા જ જોઈએ, સાથે સાથે તમારા પરિવારને પણ વ્યસન મુક્ત રાખવો એ તમારા હાથમાં છે.
પાર્થભાઈએ વિદ્યાર્થીઓને મોબાઈલનાં વ્યસનથી દૂર રહેવાની વાત જણાવી હતી, વાત્સલ્યભાઈએ સહુને વ્યસન મુક્તિનો સંકલ્પ લેવડાવ્યો હતો, અંતે શાળાના શિક્ષકશ્રી એન. ડી.ગઢિયાએ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો,
કાર્યક્રમ પૂર્ણ થયા પછી કેન્સર હોસ્પિટલમાંથી લીધેલ દર્દીઓના ફોટોગ્રાફમાંથી બનાવેલ પોસ્ટરો સાથે પ્રદર્શની રાખવામાં આવી હતી,આ કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકો તેમજ 700થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.