મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજવતા પોલીસ કોન્સ્ટેબલને ફરજ.પર હાજર રહેવાને બદલે "ઘેરહાજર" રહેવું ભારે પડ્યું છે. આ પોલીસ કોન્સ્ટેબલ છેલ્લા 6 મહિના જેટલા સમયથી ગેરહાજર હોય ઉપરથી ત્રણ નોટિસ ફટકારી છતાં દાદ ન આપતા અંતે તાલુકા પીઆઇએ ખુદ ફરિયાદી બનીને આ પોલીસ કોન્સ્ટેબલને તેમની ફરજનું ભાન કરાવવા તેમની સામે મનસ્વી રીતે ફરજમાં બેદરકારી. દાખવવા બદલ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા કોન્સ્ટેબલ માણસુરભાઈ દેવદાનભાઈ ગત તા. 16/6 થી કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર ફરજમાં ગેરહાજર રહ્યા છે. આ રીતે છ મહિનાથી તેઓ ગેરહાજર રહેતા હોય નિયમ અનુસાર હાજર થવા માટે તેમને ત્રણ નોટિસની બજવણી કરવામાં આવી હતી. છતાં પણ કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર તેઓ મનસ્વી રીતે ગેરહાજર રહ્યા હતા અને પોતાની ફરજ ઉપર હાજર થયા જ ન હતા અને ફરજમાં બેદરકારી રાખી છે. આથી સમાજમાં જાનમાલના રક્ષણ અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે મહત્વની પોલીસની ફરજમાં ગેરહાજર રહેતા હોય અને કાયદો બધા માટે એક સમાન હોય એનું ભાન કરાવવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.કે.ચારેલ દ્વારા ફરજમાં બેદરકારી બદલ પોલીસ કોન્સ્ટેબલ માણસુરભાઈ દેવદાનભાઈ રહે. મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે જી.પી. એક્ટની કલમ 145 મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.