Thursday - Jul 09, 2026

મોરબીમાં જમીનના ઝઘડામાં કાકા-પિતરાઈ પર કાર ચડાવી હત્યાનું કાવતરું નિષ્ફળ

મોરબીમાં જમીનના ઝઘડામાં કાકા-પિતરાઈ પર કાર ચડાવી હત્યાનું કાવતરું નિષ્ફળ

મોરબી તાલુકા પોલીસે સામાન્ય રીતે અકસ્માતના લાગતા આ બનાવનો એક મહિના બાદ ભેદ ઉકેલી નાખ્યો, સીસીટીવી, ટેકનિકલ સર્વેલન્સ અને પૂછપરછથી મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ ઝડપાયા

મોરબી : મોરબીમાં જમીનના વિવાદમાં પોતાના જ કાકા અને પિતરાઈ ભાઈને અકસ્માતના નામે મોતને ઘાટ ઉતારી દેવાનું સનસનીખેજ કાવતરું મોરબી તાલુકા પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. કોર્ટમાંથી કેસની મુદત પૂર્ણ કરીને પરત ફરી રહેલા પિતા-પુત્રની બાઇકને પાછળથી સ્કોર્પિયો કાર વડે ટક્કર મારી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં સામાન્ય અકસ્માત જણાતો આ બનાવ પોલીસની ઝીણવટભરી તપાસમાં પૂર્વ આયોજિત કાવતરું હોવાનું બહાર આવ્યું છે. સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને પુરાવાના આધારે પોલીસે એક મહિના બાદ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરીને મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ, ફરિયાદી પ્રાણજીવનભાઈ બાવરવા, તેમના પુત્ર મેહુલભાઈ તથા અન્ય એક વ્યક્તિ ગત 15મી તારીખે જમીન કેસની મુદત માટે મોરબી કોર્ટ આવ્યા હતા. રાત્રે આશરે 11:30 વાગ્યે તેઓ GJ-03-DH-5109 નંબરની મોટરસાયકલ પર ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન નીચી માંડલ ગામ નજીક પાછળથી પૂરપાટ ઝડપે આવેલી સફેદ સ્કોર્પિયો કાર તેમની બાઇક સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં પ્રાણજીવનભાઈને હાથ, કમર અને ચહેરાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે મેહુલભાઈના ખભામાં ફ્રેક્ચર સહિત ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
પ્રારંભિક તબક્કે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જોકે ઇજાગ્રસ્તો અને અન્ય સાક્ષીઓના નિવેદનમાં સ્કોર્પિયોમાં ગામનો હરેશ ઉર્ફે હર્ષદ દેવજીભાઈ સુરાણી બેઠેલો હોવાનું સામે આવતાં તપાસનો રૂખ બદલાયો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ફરિયાદી અને તેમના ભાઈ ભુદરભાઈ વચ્ચે પિતૃ સંપત્તિ અંગે લાંબા સમયથી કોર્ટમાં વિવાદ ચાલી રહ્યો હતો. આ જ વિવાદ આખા કાવતરાનું મૂળ કારણ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું.
પોલીસની પૂછપરછમાં ખુલાસો થયો કે ભાવેશ ભુદરભાઈ બાવરવાએ પોતાના કાકા અને પિતરાઈ ભાઈને રસ્તામાં અકસ્માત સર્જી મોતને ઘાટ ઉતારવાનો પ્લાન ઘડ્યો હતો. શંકા ન જાય તે માટે તેણે સ્કોર્પિયો કાર ખરીદીને મિત્ર હરેશ સુરાણીના નામે રાખી હતી. ત્યારબાદ હરેશે પોતાના મિત્ર જગદીશ ખીમજીભાઈ મકવાણાને નવું મોટરસાયકલ અપાવવાની લાલચ આપીને સ્કોર્પિયો ચલાવી બાઇકને ટક્કર મારવાનું કામ સોંપ્યું હતું. પૂર્વ આયોજન મુજબ બાઇકને નિશાન બનાવી ટક્કર મારવામાં આવી હતી, પરંતુ બંને પિતા-પુત્રનો જીવ બચી જતાં સમગ્ર કાવતરું નિષ્ફળ રહ્યું હતું.
આ કેસમાં પોલીસે જગદીશ ખીમજીભાઈ મકવાણા (રહે. વણોઈવાંઢ, તા. રાપર, કચ્છ), હરેશ દેવજીભાઈ સુરાણી (રહે. ઉમા વિલેજ સોસાયટી, મોરબી-હળવદ રોડ, મૂળ જીકીયારી) અને ભાવેશ ભુદરભાઈ બાવરવા (રહે. રામનગર, જીકીયારી ગામ)ની ધરપકડ કરી છે. ત્રણેયની પૂછપરછ સાથે સમગ્ર કાવતરાની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

પ્રથમ નજરે અકસ્માત લાગતો બનાવ પોલીસની સચોટ અને વૈજ્ઞાનિક તપાસથી હત્યાના પ્રયાસના ગંભીર ષડયંત્રમાં ફેરવાતા આ કેસ મોરબીમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

મોરબીમાં જમીનના ઝઘડામાં કાકા-પિતરાઈ પર કાર ચડાવી હત્યાનું કાવતરું નિષ્ફળ