Friday - Jul 03, 2026

મોરબીના શેરી ફેરિયાઓને ધંધો વધારવા રૂ.90 હજારની લોન અપાશે

મોરબીના શેરી ફેરિયાઓને ધંધો વધારવા રૂ.90 હજારની લોન અપાશે

કોઈ પણ સિક્યુરિટી વગર ક્રમશઃ તમામ લોન મળશે, બાદમાં રૂ.30 હજારનું ક્રેડિટ કાર્ડ પણ મળશે

મોરબી : મોરબી મનપાએ હમણાં જ મુખ્યમાર્ગો ઉપર ટ્રાફિકને નડતરરૂપ લારી, ગલ્લા, પાથરણાવાળાઓ સહિતના દબાણો હટાવ્યા હતા. તેથી મનપાએ સામાન્ય ધંધાર્થીઓની આજીવિકા ઉપર તરાપ મારી હોવાની ટીકાઓ પણ થઈ હતી. તેની વચ્ચે હવે મોરબી  મહાપાલિકા દ્વારા શેરી ફેરિયાઓ પોતાની આજીવિકા વધારી શકે તેમનો વ્યવસાય વધુ સારી રીતે ચલાવી શકે તે માટે કેન્દ્ર સરકારની પીએમ. સ્વનિધિ યોજના હેઠળ રૂ.90 હજારની લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે. કોઈ પણ પ્રકારની સિક્યુરિટી વગર શહેરી વિસ્તારમાં વસવાટ કરતાં શેરી ફેરિયાઓને બેંક દ્વારા લઘુ ધિરાણ પૂરું પાડવામાં આવે છે.

મોરબી શહેરના શેરી ફેરિયાઓ માટે કેન્દ્ર સરકાર પુરસ્કૃત પીએમ સ્વનિધિ યોજના અમલમાં મુકવામાં આવી છે, આ યોજનામાં મોરબીની હદ વિસ્તારમાં વસવાટ કરતાં અને શેરી પ્રવૃતિ કરી પોતાનું ગુજરાન ચલાવતા લોકોનો ધંધો વ્યવસાય આગળ વધે તેમને વ્યવસાયમાં આર્થિક રીતે મદદ મળી રહે તે હેતુ સર બેન્ક દ્વારા વર્કિંગ કેપિટલ લોન આપવામાં આવે છે. જેમાં પ્રથમ લોનનું ધિરાણ રૂ. 15000 મળશે, લોન ધિરાણને નિયમિત ભરવાથી સમય કે વહેલાસર લોન ભરપાઈ કરવાથી વાર્ષિક 7 % વ્યાજ સહાયનો લાભ મળશે. ડિજિટલ નાણાંકીય લેવડ દેવડ પર માસિક રૂ.100 અને વાર્ષિક રૂ.1600 સુધીનું કેશ બેક મળવા પાત્ર છે. પ્રથમ લોન ભરપાઈ થાય બાદ રૂ. 25000 ની દ્વિતીય લોન મળશે. દ્વિતીય લોનની ભરપાઈ કર્યા બાદ તૃતીય લોન રૂ. 50,000 મળશે, બાદમાં રૂપિયા 30,000નું ક્રેડિટ કાર્ડ શેરી ફેરિયાને મળવા પાત્ર રહેશે, દરેક લોનમાં કોઈપણ પ્રકારની સિક્યુરિટી આપવાની રહેશે નહીં, લોન અરજી ઓનલાઈન કરવાની રહેશે. આ યોજનાનો લાભ મેળવવા માંગતા શેરી ફેરિયાઓએ આધારકાર્ડ, વેન્ડરકાર્ડ, બેંક પાસબુક, UPI ID ફોન પે / ગૂગલ પે, આધાર સાથે લિન્ક મોબાઈલ નંબર સાથે ઓનલાઈન પ્રક્રિયા માટે મોરબી મહાનગર પાલિકાની કચેરી ખારાકૂવા શેરી સહયોગ કૉમ્પલેક્ષ ડે.એન.યુ.એલ.એમ. ઓફીસનો સવારે 10:30 થી સાંજે 6:10 સુધી સંપર્ક કરી શકશે.