વોટર હાર્વેસ્ટીંગ, સોલાર રૂફટોપ, સાયકલ, કાપડની થેલીઓને પ્રોત્સાહન આપવા અંગે જરૂરી માર્ગદર્શન અપાયું
મોરબી : સમગ્ર વિશ્વ પર હાલ ગ્લોબલ વોર્મિગનું જોખમ વધી રહ્યું છે. તેમાંય ઔદ્યોગિક રીતે સમૃદ્ધ મોરબી શહેરમાં વિકાસની સાથે પાછલા દરવાજે પ્રદુષણ પ્રવેશી ગયું છે. હાલ શહેર ગંભીર પ્રદુષણનો સામનો કરી રહ્યું છે. ત્યારે પ્રદુષણનો ખતરો ટાળવા પર્યાવરણનું સંતુલન જાળવવા માટે ભારત સરકારના મિશન લાઇફ (લાઇફ સ્ટાઇલ ફોર એન્વાર્યમેન્ટ) અંગેની બેઠક જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.જેમાં મોટી સંખ્યામાં મિયાવાકી પધ્ધતિથી વૃક્ષો વાવવાનો નિર્ણય લેવાયો છે.
મોરબી જિલ્લામાં કલાઇમેંટ ચેંજની અસર ઘટાડવા માટે જિલ્લામાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવા સબંધિત અધિકારીઓને કામગીરી સોપાઇ હતી તેમજ યોજના હેઠળ થયેલી કામગીરીની સમિક્ષા પણ કરવામાં આવી હતી. આ બેઠકમાં મિશન લાઇફ અન્વયે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા મોરબી જિલ્લામાં મિયાવાકી પધ્ધતિથી વન બનાવી મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરાશે. તેમજ વોટર હાર્વેસ્ટીંગ અને સોલાર રૂફટોપનો પણ વધુને વધુ સરકારી કચેરીઓમાં ઉપયોગ થાય તે માટે કામગીરીને અગ્રતા આપવા જણાવાયુ હતું. વિવિધ કાર્યક્રમોના મારફતે પ્લાસ્ટિકના બદલે કાપડની થેલીઓનો ઉપયોગ કરવા તથા આવી થેલીઓનું વિતરણ કરવા તેમજ પરિવહન માટે સાયકલનો ઉપયોગ કરવા, ઇવેસ્ટમાં ધટાડો કરવા જણાવાયુ હતું. તેમજ આ અંગે જનજાગૃતિ ફેલાવવાની પણ ચર્ચા થઇ હતી.