મોરબી : મોરબીમાં આજે જૈન સમાજ દ્વારા સમગ્ર વિશ્વને અહિંસાનો સંદેશ આપનાર પરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક ૨૬૨૪ ની ઉજવણી કરવામાં આવી હતી અને મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીની દરબારગઢમાં આવેલ જૈન દેરાસર ખાતેથી ભવ્ય શોભાયાત્રા ચાંદીના રથમાં કાઢવામાં આવી હતી અને 14 સ્વપ્ન રત્ન સાથે જૈન બેન્ડ ગ્રુપ વાજતે ગાજતે પ્રભુ મહાવીર સ્વામીની મોટી છબી અને બગીઑ ફ્લોટ સાથે શોભાયાત્રામાં દરેક જૈનસંઘ, મંડળો સ્વયં સેવકો તથા વિશાળ સંખ્યામાં જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓ જોડાયા હતા. આ શોભાયાત્રા દરબારગઢ દેરાસરજીથી ગ્રીન ચોક, નેહરૂગેટ, સાવસર પ્લોટ, વસંત પ્લોટ થઈ બોયઝ હાઈસ્કૂલ ખાતે ધર્મ સભામાં ફેરવાઇ હતી અને શોભાયાત્રાના રૂટમાં જૈન સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા સરબત, છાશ, ઠંડા પાણી તથા ઉકાળેલા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે ગચ્છાધિપતિ પૂજ્ય ભાવચંદ્રજી સ્વામી "મારા મનના મહાવીર, મારા મનમાં મહાવીર" વિષય પર મંગલ પ્રવચન આપવામાં આવ્યું હતું. જેનો મોરબીના તમામ જૈન ભાઈઓ બહેનોએ શ્રધ્ધાભેર લાભ લીધો હતો.